સ્કોટલેન્ડની સરકાર બુધવારે લંડનમાં સુપ્રીમ કોર્ટમાં સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે બીજો લોકમત લેવાની લડત હારી ગઈ હતી. જજીસે ચુકાદો આપ્યો હતો કે યુકેની સંસદની મંજૂરી વિના યુકે સાથેના તેના જોડાણ બાબતે તેઓ બીજા જનમત માટે આગળ વધી શકે નહીં.
સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને આવતા વર્ષે 19 ઑક્ટોબર 19ના રોજ ઇન્ડીરેફ2 નામના લોકમતની દરખાસ્ત કરી હતી. સપ્ટેમ્બર 2014માં યોજાયેલા સ્વતંત્રતા માટેના લોકમતમાં 55 ટકા લોકોએ સ્કોટલેન્ડને યુકેનો ભાગ રહેવા માટે મત આપ્યો હતો.
સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) આ પ્રદેશનું સંચાલન કરે છે અને સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે બીજી વખત લોકમતની માંગ કરે છે. બ્રેક્ઝીટ માટે યુકેમાં 2016માં થયેલા મતદાન વખતે યુરોપિયન યુનિયન (EU)માં રહેવા સ્કોટલેન્ડે બહુમતા આપ્યો હતો. જેના કરણે ફરીથી બીજા લોકમતની માંગ સ્કોટલેન્ડમાં વધી રહી છે.
સુપ્રીમ કોર્ટના પ્રમુખ લોર્ડ રોબર્ટ રીડે સર્વસંમતિથી ચુકાદો વાંચ્યો હતો.