ઉઝબેકિસ્તાનમાં બે દિવસીય શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર બેઠકમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીથી સમરકંદ રવાના થયા હતા. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ 14 સપ્ટેમ્બરે સમરકંદ પહોંચ્યા હતા. આ બેઠકમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજરી આપશે. રશિયાએ અગાઉ પુષ્ટી આપી હતું કે આ બેઠકમાં પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્રિપક્ષીય બેઠક યોજાશે. એસસીઓ સમીટ પર પશ્ચિમી દેશોની પણ નજર છે. આ સ્થિતિમાં ભારત સંતુલિત વલણ જાળવી રાખે તેવી શક્યતા છે.
રશિયાના ક્રેમલિને દાવો કર્યો છે કે આ કોન્ફરન્સની બાજુમાં મોદી અને પુતિન વચ્ચે મુલાકાત થઈ શકે છે. આ દરમિયાન બંને વચ્ચે વેપાર સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા શક્ય છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સમયે આ બે નેતાઓની મુલાકાતને અગત્યની માનવામાં આવી રહી છે.
આ બેઠકમાં મોદીની શાહબાઝ શરીફ અને શી જિનપિંગ સાથેની મુલાકાતને અંગે સસ્પેન્સ યથાવત્ છે. આ બેઠકમાં સૌથી મહત્ત્વનો દિવસ 16 સપ્ટેમ્બર છે. તે દિવસે મોદીનું સંબોધન કરશે. બેઠક પછી સમરકંદ મિટિંગ સબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે જો વડાપ્રધાન મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને શાહબાઝ શરીફને મળે છે તો આ મુલાકાત ભારતીય વિદેશનીતિ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ વધુ ઘેરો બન્યા બાદ મોદી-જિનપિંગની આ પહેલી મુલાકાત હશે. આ સાથે જ પાકિસ્તાનમાં ઈમરાન ખાનને હટાવ્યા બાદ મોદી પહેલીવાર શાહબાઝ શરીફને મળશે.
પુતિન અને મોદી ૧૫-૧૬ સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાનારી કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ ઓફ ધ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની ૨૨મી બેઠકમાં હાજરી આપશે. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસે પુતિનના નજીકના સહયોગી યુરી ઉશાકોવને ટાંકીને જણાવ્યું હતું કે, “મોદી સાથે આંતરરાષ્ટ્રીય એજન્ડા અંગે પણ વાતચીત થશે. ભારત ડિસેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરવાનું છે અને ૨૦૨૩માં ભારત SCO અને G20નું પણ નેતૃત્વ સંભાળવાનું છે ત્યારે આ બેઠક મહત્વની બને છે.” જોકે, ભારતના વિદેશ મંત્રાલયે હજુ મોદી અને પુતિનની બેઠક અંગે પુષ્ટિ આપી નથી. ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન SCO સમિટ વખતે કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરે તેવી શક્યતા છે.
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની રચના 2001માં થઈ હતી. SCO રાજકીય, આર્થિક અને સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન છે. તેમાં ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન સહિત કુલ 8 સ્થાયી સભ્યો છે. શરૂઆતમાં SCOમાં છ સભ્યોમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, તજાકિસ્તાન, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાન હતા. 2017માં ભારત અને પાકિસ્તાન પણ તેમાં જોડાવાથી તેના કાયમી સભ્યોની સંખ્યા વધીને 8 થઈ ગઈ. 6 દેશો- આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તૂર્કી SCOના ડાયલોગ પાર્ટનર છે. 4 દેશો- અફઘાનિસ્તાન, ઈરાન, બેલારુસ અને મંગોલિયા તેના ઓબ્ઝર્વર સભ્યો છે.