ગોવામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે પૂર્વ લદ્દાખ સીમા વિવાદનો ઉકેલ તથા સરહદ પર શાંતિ અને સુલેહ જરૂરી છે.
એક ટ્વિટમાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે બાકીના મુદ્દાઓને ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દ્વિપક્ષીય સંબંધો અંગે ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ પ્રધાન કિન ગેંગ સાથે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે SCO, G-20 અને BRICS (બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા) સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનામાં બંને વિદેશ મંત્રીઓ વચ્ચેની આ બીજી મુલાકાત હતી. અગાઉ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતાં. આ બેઠક દરમિયાન જયશંકરે કિન સાથે વાટાઘાટો કરી હતી, જે દરમિયાન તેમણે તેમના ચીની સમકક્ષને કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં લાંબા સીમા વિવાદને કારણે ભારત-ચીન વચ્ચેના સંબંધો અસામાન્ય છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી બંને દેશોના સંબંધો વણસેલા છે.
રશિયાના વિદેશ પ્રધાન લાવરોવ સાથે જયશંકરની મંત્રણા
વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લાવરોવ સાથે દ્વિપક્ષીય સહયોગ, યુક્રેન સંઘર્ષ તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર વાટાઘાટો કરી હતી. SCO બેઠકોમાં હાજરી આપવા માટે લાવરોવ આજે સવારે ભારત આવ્યા હતા. જયશંકર અને લાવરોવે ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ મંત્રણામાં વેપાર સંબંધિત મુદ્દાની ચર્ચા થઈ હતી કે નહીં તેની વિગત મળી શકી ન હતી. ભારત બંને દેશો વચ્ચેના વેપારની અસમતુલાને તાકીદે દૂર કરવાની માગણી કરી રહ્યું છે.