વડા પ્રધાન બોરિસ જૉન્સનની 19 જુલાઈથી કહેવાતા સ્વાતંત્ર્ય દિનના નામે પ્રતિબંધોને હળવા કરી સામૂહિક ચેપ દ્વારા લોકોમાં કોવિડ રોગચાળા સામે પ્રતિરક્ષા ઉભી કરવાની કહેવાતી ‘ગુનાહિત’ યોજના સામે વિશ્વના 1200થી વધુ વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ડોકટરોએ નંબર 10 પર હુમલો કરી નિંદા કરી છે. 16 જુલાઇને શુક્રવારે યોજાયેલી ઇમરજન્સી સમિટમાં ઉપસ્થિત રહેલા લગભગ 1,200 વૈશ્વિક નિષ્ણાતોએ જોન્સનને સોમવારે 19 જુલાઇના રોજથી ઇંગ્લેન્ડમાં કોવિડ પ્રતિબંધોને સમાપ્ત કરવાની તેમની યોજના પર તાકીદે વિચાર કરવા અપીલ કરી છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે લોકડાઉનનો અંત લાવવાથી રસીથી પ્રતિરોધક એવા વેરિયન્ટ્સનો ઉદભવ થશે. વૈજ્ઞાનિકોના આ જૂથમાં સરકારને સલાહ પતા SAGEના ચાર અગ્રણી નિષ્ણાતો પણ શામેલ છે. સહી કરનારાઓમાં ડેવિડ કેમેરોનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર ડેવિડ કિંગ, બીએમએ કાઉન્સિલના અધ્યક્ષ ડો. ચંદ નાગપૌલ અને યુનિવર્સિટી કોલેજ લંડનના ગણિતશાસ્ત્રી અને સ્વતંત્ર સેજ સભ્ય પ્રોફેસર ક્રિસ્ટીના પેજલ શામેલ છે.
વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ સંપૂર્ણ લોકડાઉન ખોલવા સામે લાન્સેટને ચેતવણી આપતા પત્રમાં દાવો કર્યો હતો કે બ્રિટન ગ્લોબલ ટ્રાન્સપોર્ટ હબ છે તેવી સ્થિતિમાં જો લોકડાઉનને ખોલવામાં આવશે તો યુકેમાં ઉદ્ભવતા કોઈપણ નવા વેરિયન્ટ્સ ઝડપથી વિશ્વમાં ફેલાશે. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે બ્રિટીશ સરકારના અભિગમનું અનુકરણ અન્યત્ર અધિકારીઓ દ્વારા “રાજકીય કાર્ય માટે” કરવામાં આવે છે.
બ્રિટનમાં દૈનિક મૃત્યુ ત્રણ મહિનાની ઉંચી સપાટીએ પહોંચતા અને એક જ અઠવાડિયામાં કેસો 25 ટકા જેટલા વધીને 36,660ની સંખ્યાએ પહોંચતા વઐજ્ઞાનિકોમાં ગુસ્સો છે. ટ્રેઝરીના ચિફ સેક્રેટરી સ્ટીવ બાર્કલે કહે છે કે ‘કોઈને ખબર નથી’ શિયાળામાં પેલી રસી કેવી અસરકારક રહેશે. પ્રોફેસર કેલમ સેમ્પલ કહે છે કે ‘વિન્ટર બમ્પ’ કોવિડ અને અન્ય શ્વસનને લગતા વાયરસનું મિશ્રણ હશે. તેમના મતે માસ્ક પહેરવા સહિતના પ્રતિબંધો ફરીથી રજૂ કરવી પડી શકે છે, પરંતુ સંપૂર્ણ ધોરણમાં લોકડાઉન શક્ય નથી.
જાન્યુઆરીના મધ્યભાગ પછી પહેલી વખત સૌથી વધુ 50,000થી વધુ નવા કેસ તા. 16ના રોજ નોંધાયા હતા. છે. જ્યારે પોઝીટીવ ટેસ્ટના 28 દિવસની અંદર 49 વધુ લોકો મોત નોંધાયા હતા અને યુકેનો – જે રોગચાળાથી યુકેના કુલ મૃત્યુઆંકની સંખ્યા 128,642 પર પહોંચી ગઈ છે. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના નવીનતમ ડેટા સૂચવે છે કે ઇંગ્લેન્ડમાં 95 લોકોમાંથી 1 વ્યક્તિને ગયા અઠવાડિયે કોવિડ હતું.
મીડિયા અહેવાલો મુજબ ન્યૂ ઝિલેન્ડ, ઇઝરાયેલ અને ઇટાલીના સત્તાવાર સરકારી સલાહકારોએ યુકે સરકારની વ્યૂહરચનાથી બધાને વાકેફ કર્યા છે. ન્યુ ઝિલેન્ડ સરકારના કોવિડ સલાહકાર જૂથના સભ્ય પ્રોફેસર માઇકલ બેકરે જણાવ્યું હતું કે ‘’યુકેમાં વાઇરસનું ટ્રાન્સમિશન ઝડપથી વધી રહ્યું છે ત્યારે યુકેના પ્રતિબંધો હટાવવાનો નિર્ણયથી અમે આશ્ચર્યચકિત છીએ.”
લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના ક્લિનિકલ એપિડેમિલોજિસ્ટ અને સિનિયર લેક્ચરર, ડૉ. દિપ્તી ગુરદાસાનીએ જણાવ્યું હતું કે, “યુકેમાં હાલના ટાળી શકાય તેવા સંકટ પર વિશ્વની નજર છે.”
ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી પ્રો. ક્રિસ વ્હિટીએ ગુરુવારે 15 જુલાઇના રોજ ચેતવણી આપી હતી કે ચેપી ડેલ્ટા વેરિયન્ટ અને લોકડાઉન પ્રતિબંધોને દૂર કરવાના કારણે કેસ વધી રહ્યા છે ત્યારે કોવિડ-19 ના કારણે હોસ્પિટલમાં લોકોના પ્રવેશની સંખ્યા અઠવાડિયાની અંદર “તદ્દન ડરામણા” સ્તરે પહોંચી શકે છે.