REUTERS/Anushree Fadnavis

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતા આગામી બે દિવસ સુધી પ્રાયમરી સ્કૂલો બંધ રાખવાની મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે જાહેરાત કરી હતી. બીજી તરફ મુંબઈમાં હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારા વચ્ચે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL), ટાટા પાવર અને કેટલીક અન્ય કંપનીઓને તેમના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કરવાની સૂચના આપી હતી.

બુધવારે અખબારી નિવેદનમાં MPCBએ જણાવ્યું હતું કે તેને HPCL, ટાટા પાવર, એજિસ લોજિસ્ટિક્સ, સીલોર્ડ કન્ટેનરને આ નોટિસ આપી છે. એમપીસીબીએ એજીસ લોજિસ્ટિક્સની રૂ.10 લાખની અને સીલોર્ડ કન્ટેનરની રૂ.5 લાખની બેંક ગેરંટી પણ જપ્ત કરી હતી. બુધવારે ચેમ્બુરમાં રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)ને આવી જ નોટિસ મોકલવામાં આવી હતી. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે, શ્વાસોશ્વાસની સમસ્યા વકરવાની ચેતવણી

બીજી તરફ ખેતરોમાં આગની ઘટનાઓમાં વધારો તથા પ્રતિકૂળ હવામાનને કારણે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું. ડોક્ટર્સે શ્વાસની સમસ્યાઓ વકરવા અંગેની ચેતવણી આપી હતી. ગાઢ ધુમ્મસવાળા વાતાવરણને કારણે સૂર્ય પણ છૂપાઈ ગયો હતો.

વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થવાની ચેતવણી આપી છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400નો આંકને વટાવીને ગંભીર કેટેગરીમાં પ્રવેશ્યો છે. સફદરજંગ વેધશાળામાં સવારે 7 વાગ્યાની આસપાસ વિઝિબિલિટી ઘટીને માત્ર 500 મીટર થઈ હતી. બપોરે 3 વાગ્યે શહેરનો AQI 378 પર પહોંચ્યો હતો. 24 કલાકનો સરેરાશ AQI બુધવારે 364, મંગળવારે 359, સોમવારે 347, રવિવારે 325, શનિવારે 304 અને શુક્રવારે 261 હતો. 301થી 400 વચ્ચેના એક્યુઆઇને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે.

હેલ્થ પ્રોફેશનલ્સે ચિંતા વ્યક્ત કરી હતી કે હવાના પ્રદૂષણથી બાળકો અને વૃદ્ધોમાં અસ્થમા અને ફેફસાની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે.

સફદરજંગ હોસ્પિટલમાં દવા વિભાગના વડા જુગલ કિશોરે કહ્યું હતું કે બ્રોન્કાઇટિસ ઇન્ફેક્શનમાં ઉછાળો આવ્યો છે. ક્રોનિક બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વસન સમસ્યાઓથી પીડિત લોકો તેમની દવાઓ નિયમિત ધોરણે લેવી જોઇએ અને એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ખુલ્લામાં ન જવું જોઇએ. દિલ્હીમાં ઇન્ડોર પ્રદૂષણમાં પણ વધારો થયો હોવાથી લોકોને તેમના ઘરોમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.

 

LEAVE A REPLY