ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો, કોલેજો 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો ગુરુવાર, 18 માર્ચે આદેશ આપ્યો હતો. આ આઠ શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢનો સમાવેશ થાય છે.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં સ્કૂલો, કોલેજો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. આઠ મહાનગરો સિવાયના રાજ્યના અન્ય જિલ્લાઓ અને વિસ્તારોની અંદર ઓનલાઇન અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરુ રહેશે.
આ સાથે જ યુનિવર્સિટીઓ અને કોલેજોની જે ઓફલાઇન પરીક્ષા લેવાની હતી તે પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ માટે હવે નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે આજથી બરાબર એક વર્ષ પહેલા આવા જ સમયે રાજ્યમાં શૌક્ષણિક કાર્ય બંધ કરાવામાં આવ્યું હતું. ત્યારે એક વર્ષ બાદ ફરીથી શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.