ગુજરાતમાં ગુરુવાર, 2 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓની પાંખી હાજરી સાથે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 6થી 8ની શાળાનો ફરી પ્રારંભ થયો હતો. રાજ્યભરની 30,000થી વધારે સરકારી અને ખાનગી સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનના અમલ સાથે પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થઈ હતી. જોકે કોરાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં મોકલવામાં ખચકાટ અનુભવતા હતા અને તેથી વિદ્યાર્થીઓની હાજરી ઘણી ઓછી રહી હતી.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગત મહિને શાળા ફરી શરૂ કરવાની તારીખ જાહેર કરી હતી. કોરોનાથી સુરક્ષા મેળવવા કડક પગલાં અને ગાઈડલાઈન અંતર્ગત સ્કૂલો ખોલવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ, સ્કૂલ પરિસરમાં હાથ ધોવાની સુવિધા અને સેનિટાઈઝ કરવા માટેના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હતા.
સ્કૂલો અને કોલેજો ફરી શરૂ કરવા માટે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે, શાળા સત્તાધીશોએ વાલીઓ પાસેથી બાળકને સ્કૂલે મોકલવા લેખિત સંમતિ મેળવવી પડશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે.