પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9 મેથી 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પરીક્ષાઓમાં વિલંબ થઈ રહ્યો હોવાના કારણે વેકેશન પણ મેં મહિનાથી જાહેર કરવામાં આવ્યું છે.પ્રાથમિક અને માધ્યમિક એમ બન્નેના એકસાથે વેકેશન હોવાથી જે વાલીઓના બાળકો પ્રાથમિક તથા માધ્યમિક એમ અલગ-અલગ અભ્યાસ કરતા હોય તેમને પણ વેકેશનનું આયોજનો કરવામાં સરળતા રહેશે.

9 મેથી 12 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહ્યા બાદ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ 13 જૂનથી ફરી નવા સત્ર સાથે રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. ભૂતકાળમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અલગ-અલગ દિવસોમાં વેકેશન જાહેર કરવામાં આવતું હતું.

ગુજરાતના પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દર વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકિય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં તારીખ 09/05/2022થી 12/06/2022 સુધી (35 દિવસ) ઉનાળુ વેકેશન રહેશે અને તારીખ 13/06/2022થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.