એટ્રોસિટી ધારા હેઠળના એક કેસની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે અવલોકન કર્યું હતું કે જો આરોપીએ જાહેર સ્થળો પર જાતિ વિષયક અપશબ્દો કહ્યાં હોય તો જ એસટી-એસટી અત્યાચાર નિવારણ ધારા હેઠળ મુકદમો ચલાવી શકાય છે. કોર્ટે એક સ્કૂલના માલિક સામેની એસટી-એસટી ધારા હેઠળની ગુનાહિત કાર્યવાહીને રદ કરી હતી.
ન્યાયમૂર્તિ શમીમ અહેમદે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય સાથે જાતિ વિષયક ઉચ્ચારણ દ્વારા મૌખિક દુર્વ્યવહારની ઘટના ઘરમાં બની હોય અને ત્યાં બીજા કોઇ હાજર ન હોય તો આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બનતો નથી. જાતિ વિષયક ટીપ્પણી જાહેર વ્યૂમાં થઈ હોય તો જ કોઈ વ્યક્તિ સામે SC/ST એક્ટની કલમ 3(1)(s) હેઠળના ગુના માટે ટ્રાયલ થઈ શકે છે.
કોર્ટે એક સ્કૂલના માલિક સામેના કેસને રદ કરતી વખતે આ અવલોકન કર્યાં હતા. વિદ્યાર્થીના માતાપિતાએ આરોપ મૂક્યો હતો કે સ્કૂલના માલિકે તેમના પુત્ર અને બીજા વિદ્યાર્થીઓને ધો.12ની પરીક્ષામાં નાપાસ કર્યાં હતા. ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે આરોપી અને તેમના સહયોગીઓએ વિરોધને પાછો ખેંચી લેવા માટે રૂ.5 લાખની ઓફર કરી હતી અને જાતિના આધારે અપશબ્દો કહ્યાં હતા.
જોકે ખંડપીઠે જણાવ્યું હતું કે આરોપીએ જાહેરમાં ફરિયાદી સાથે દુર્વ્યવહાર કર્યો ન હતો અને નોંધ્યું હતું કે ફરિયાદીએ કેવા પ્રકારનો દુર્વ્યવહાર થયો હતો તેની પણ કોઇ માહિતી આપી નથી. સુપ્રીમ કોર્ટે આવા કેસોમાં આપેલા કેટલાંક ચુકાદાનો ઉલ્લેખ કરીને કોર્ટે જણાવ્યું હતું કે સમાજના નબળા વર્ગના કોઇ સભ્ય પર સાર્વજનિક સ્થળ પર અપમાન કે હેરાનગતિ કરવામાં આવે જો જ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે. સ્વતંત્ર સાક્ષીઓએ ફરિયાદીના કેસને સમર્થન આપ્યું ન હતું અને જ્યારે કથિત ઘટના બની ત્યારે તેઓ ઘરમાં હાજર પણ ન હતા.
