ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 15મે 2024ની અસરથી શોર્ટ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં વધારો કર્યો હતો. ડિપોઝિટ આકર્ષવા માટે હવે બીજી સરકારી બેન્કો પણ એફડીના રેટ વધારે તેવી શક્યતા છે. છેલ્લા છ મહિનામાં એસબીઆઈએ બીજી વખત વ્યાજના દરમાં વધારો કર્યો હતો. તેના કારણે હવે એક વર્ષની એફડીના રેટ 6 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયા છે. એસબીઆઈએ એફડીના વ્યાજના દરમાં વધુમાં વધુ 0.25થી 0.75 ટકાનો વધારો કર્યો છે.
સ્ટેટ બેન્ક દ્વારા હોલસેલ ડિપોઝિટને રિપ્લેસ કરવા અને લિક્વિડિટી વધારવા માટે આ દર વધારવામાં આવ્યા છે. એસબીઆઈ હવે 46 દિવસથી 179 દિવસની એફડી પર 5.5 ટકા વ્યાજ આપે છે, જેના માટે અગાઉ વ્યાજનો દર 4.75 ટકા હતો. 180 દિવસથી 210 દિવસની ડિપોઝિટ માટે વ્યાજનો દર 5.75 ટકા હતો, જે વધીને 6 ટકા થયો છે, જ્યારે 211 દિવસથી એક વર્ષ સુધીની ડિપોઝિટ માટે દર 6 ટકાથી વધીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. નોન સિનિયર સિટિઝન્સ માટે બેસ્ટ રેટ બેથી ત્રણ વર્ષની ડિપોઝિટ માટે 7 ટકા પર છે.
સ્ટેટ બેન્કે છેલ્લે ડિસેમ્બર 2023માં તેના FDના રેટમાં વધારો કર્યો હતો અને હવે પાંચ મહિનામાં જ ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટનો રેટ વધી ગયો છે. SBI એ માર્કેટ લીડર છે અને તમામ પબ્લિક સેક્ટરની બેન્કો તેને અનુસરે છે, તેથી આગામી દિવસોમાં બીજી પીએસયુ બેન્કોના રેટ પણ વધવાની શક્યતા છે. હાલમાં સરકારી માલિકીની બેન્કોમાં સૌથી ઊંચા વ્યાજના દર બેન્ક ઓફ બરોડાના છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.25 ટકા સુધી વ્યાજ ચૂકવે છે. ત્રણ વર્ષની ડિપોઝિટ માટે આ દર સૌથી ઊંચો છે.
સરકારી બેન્કો કે પ્રાઈવેટ સેક્ટરનો મોટી બેન્કોની તુલનામાં સ્મોલ ફાઈનાન્સ બેન્કોમાં એફડીના રેટ સૌથી ઊંચા છે અને કેટલીક બેન્કો સિનિયર સિટિઝનોને 9 ટકાથી લઈને 9.25 ટકા સુધી વ્યાજનો દર ઓફર કરે છે.