સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજી ધોળકિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, જો ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ જીતશે તો તેઓ દરેક ખેલાડીને રૂા 11 લાખની કિંમતનું ઘર અથવા કાર આપશે. મહિલા હોકી ટીમે ઓલિમ્પિક સેમીફાઈનલમાં પહેલીવાર પ્રવેશ કર્યો હોવાથી ધોળકિયા ખુશ છે તેમણે કહ્યું હતું કે, પુરસ્કારની જાહેરાત ટીમનું મનોબળ વધારવાનો નમ્ર પ્રયાસ છે, કે જેથી તેઓ દેશને વધારે ગૌરવ અપાવી શકે.
સવજી ધોળકિયાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, ‘મને તે જાહેરાત કરતાં અત્યંત ખુશી થઈ રહી છે કે, જો તેઓ ફાઈનલ જીતે છે તો હરિ કૃષ્ણા ગ્રુપ તમામ મહિલા હોકી ખેલાડીઓને રૂા.11 લાખનું ઘર અથવા નવી કાર આપશે, જેમને નાણાકીય સહાયની સખત જરૂર છે. આપણી છોકરીઓ #TokyoOlympicsમાં દરેક પગલાની સાથે ઈતિહાસ રચી રહી છે’.અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની તેવા સવજી ધોળકિયા હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ ચલાવે છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂા.7 હજાર કરોડ છે.સવજીભાઇ ધોળકિયા ભૂતકાળમાં રત્નકલાકારોને કાર અને ફ્લેટ ભેટમાં આપી લાઇમલાઇટમાં આવ્યા હતા. તેમણે હરિક્રિષ્ના જેમ્સના કારીગરોને દિવાળી બેનસ પેટે કાર અને ફ્લેટ આપ્યાં હતાં.