આગામી તા. 1 જુલાઈથી નેધરલેન્ડ્ઝ અને સ્પેનમાં રમાનારી મહિલા વર્લ્ડ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ગોલકિપર સવિતા પુનિયાની આગેવાનીમાં રમશે. હોકી ઈન્ડિયાએ કરેલી ટીમની જાહેરાત મુજબ ઈજાના કારણે રાની રામપાલનો સમાવેશ કરાયો નથી. દીપ એક્કા ગ્રેસને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે.
કોચ જાન્નેક ચોપમેને કહ્યું કે, રાની રામપાલને બાદ કરતાં ટોક્યો ઓલિમ્પિકમાં રમી ચૂકેલી ટીમની લગભગ તમામ ખેલાડીઓની વર્લ્ડ કપમાં પસંદગી કરાઈ છે.
મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનો પૂલ-બીમાં ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ચીન સાથે સમાવેશ થયો છે. ભારત ૩ જુલાઈએ પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે રમશે. ભારત ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડ સામે જ હાર્યું હતુ. છેલ્લે ૨૦૧૮માં રમાયેલા હોકી વર્લ્ડ કપમાં ભારત ક્વાર્ટર ફાઈનલમાં આયરલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારતાં બહાર ફેંકાયુ હતુ.
ભારતીય મહિલા હોકી ટીમ : ગોલકિપર – સવિતા (કેપ્ટન) અને બિચુ દેવી, ડિફેન્ડર્સ – દીપ એક્કા ગ્રેસ (વાઈસ કેપ્ટન), ગુરજીત, નિક્કી પ્રધાન, ઉદિતા, મીડફિલ્ડર્સ- નિશા, સુશીલા ચાનુ, મોનિકા, નેહા, જ્યોતિ, નવજોત કૌર, સોનિકા, સલિમા ટેટે, ફોરવર્ડ – વંદના કટારિયા, લાલ્રેમ્સીમી, નવનીત કૌર અને શર્મિલા દેવી, રિપ્લેસમેન્ટ – અક્ષતા-સંગીતા.