સૌરાષ્ટ્રના આગળ પડતા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક નોંધાઇ છે. જેના લીધે સોમવારે, 5 ઓક્ટોબરે હાઇવે પર સાઇડમાં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. યાર્ડની બહાર મગફળીના વાહનોની ૨થી ૩ કિલોમીટર લાંબી કતાર લાગી હતી. હાલ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે.
મગફળીની બમ્પર આવકને લઈ ટ્રાફિક નિયમન અને વાહનચાલકોને પહેલેથી જ સૂચના આપી દેવાઇ હોવાથી કોઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ન હતી. પરંતુ મગફળી ભરેલાં વાહનોની લાઇન અંદાજે ૨ થી ૩ કિલોમીટર લાંબી જોવા મળી હતી. મહત્ત્વનું છે કે ગોંડલ માર્કેટયાર્ડમાં દૈનિક ૪૦૦૦૦થી ૫૦૦૦૦ ગૂણી મગફળીની આવક થઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં વરસેલા સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ માત્રામાં પાક થયો છે. જે માર્કેટયાર્ડમાં મગફળીના વધુ ભાવ મળતા હોય ત્યાં ખેડૂતો મગફળી વેચી રહ્યા છે.