નવસારી જિલ્લાના બિલિમોરિયામાં 11 જુલાઈએ ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. (ANI Photo)

હવામાન વિભાગે જારી કરેલા રેડ એલર્ટ વચ્ચે રાજકોટ, જામનગર, અને કચ્છમાં મંગળવાર (12 જુલાઈ)એ વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેર અને આજુબાજૂના વિસ્તારમાં 11 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાઈ ગયું હતું અને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે નદી અને ડેમ ઓવરફ્લો થયા હતા. ભારે વરસાદને કારણે મોરબીના 11 અને માળિયાના 9 ગામો એલર્ટ કરવામાં આવ્યાા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા અને રાજકોટની સદગુરુ પાર્ક સોસાયટીમાં 150 લોકો વરસાદના પાણીમાં ફસાયા હતા. કચ્છના ભૂજ, નખત્રાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગરનાં ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘણા લોકોએ તો આખી રાત જાગવું પડ્યું હતું. ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. પડધરી પાસે આવેલા આજી-2 ડેમના 8 દરવાજા બે ફૂટ સુધી તથા ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતો. રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતા.

ડેમના નિચાણવાળા વિસ્તારમાં ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડી ગામ તથા ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભિમોરા ગાધા, ગંદોળ, હાડફોડી, ઈસરા, કૂંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા અને ઉપલેટા ગામના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે સૂચના આપી હતી.

રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણાં જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ વરસી રહ્યો છે અને કપરી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં NDRFની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.