Beginning of 'Saurashtra-Tamil Sangam' at Somnath

એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સોમવારે સોમનાથ ખાતે ભવ્ય ઉદ્‌ઘાટન સાથે આરંભ થયો હતો. કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના સહભાગીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમની એક ટ્વીટ શેર કરતા વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર  અને તમિલનાડુના વચ્ચેનું બંધન ખૂબ જૂનું અને મજબૂત છે. આ સંગમ સાંસ્કૃતિક જોડાણો અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વેગ આપે છે.

સદીઓ પહેલાં ગઝની અને ખીલજીએ સોરઠ પર કરેલા આક્રમણને કારણે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક લોકો સ્થળાંતર કરી તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં સ્થાયી થયા હતા. આ લોકો સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા. સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરો પૈકીનું એક છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સદીઓના અંતરાલ પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુનઃમિલન થયું છે.

સદીઓ પહેલાં પોતાના વતન-સૌરાષ્ટ્રથી સ્થળાંતર કરીને તામિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયને પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રાખવા માટે વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના આયોજનનો વિચાર આપ્યો હતો. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા તામિલનાડુથી સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો ટ્રેન મારફત ગુજરાત આવશે. પહેલી ટ્રેન રવિવારે ગુજરાત આવી પહોંચી હતી. હવે રોજેરોજ અંદાજે રપ૦ થી ૩૦૦ વ્યક્તિની બેચ સાથે એક વિશેષ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થશે.

સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન-પૂજન, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત વિવિધ સ્પર્ધા, ફેસ્ટિવલ્સ, સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સહભાગી થનારાને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધિશ મંદિર, નાગેશ્વર, શિવરાજપૂર બીચ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે પણ લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY