સાઉદી અરેબિયાએ અગાઉની જેમ પાકિસ્તાનને વ્યાજમુક્ત લોન આપવાનો ઇનકાર કર્યો છે. સાઉદી અરેબિયા ઈચ્છે છે કે પહેલા પાકિસ્તાન માટે IMF બેલઆઉટ પેકેજને મંજૂરી આપે ત્યારબાદ જ તેને લોન આપવામાં આવશે.
પાકિસ્તાનના નાણાપ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે તેના મિત્ર દેશો પણ મદદ કરવાથી પાછળ હટી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વકીલોના સંમેલનમાં કહ્યું હતું કે આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે કોઈ મિત્ર દેશને ફોન પણ કરીએ તો તેમને લાગે છે કે અમે પૈસા માંગવા જઈ રહ્યા છીએ.
સાઉદી અરેબિયા પહેલાથી પાકિસ્તાનને ઘણી મદદ કરતું આવ્યું છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનને લોન પર મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. હવે એવું લાગે છે કે સાઉદી અરેબિયાને પાકિસ્તાન હવે બોજ જેવું લાગવા લાગ્યું છે. તાજેતરમાં IMFએ શ્રીલંકાને મોટું રાહત પેકેજ આપ્યું છે. બીજી તરફ પાકિસ્તાને IMFની કેટલીક શરતો સ્વીકારીને પોતાના લોકો પર ટેક્સનો ભારે બોજ નાખ્યો છે. તેમ છતા હજુ સુધી વિશ્વાસ સ્થાપિત નથી થઈ શકો.
સાઉદી અરેબિયા એટલા માટે પાકિસ્તાનની મદદ કરતું હતું કારણ કે તે પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાને લાગતું હતું કે જો પશ્ચિમી દેશો પ્રતિબંધો લાદશે તો તેમની સામે લડવામાં મદદ મળી જશે. સાઉદી અરેબિયાએ પરમાણુ પરીક્ષણના બદલામાં કહ્યું હતું કે તે દરરોજ 50,000 બેરલ તેલ મફતમાં આપશે. આ સિવાય પાકિસ્તાનના ધાર્મિક સંગઠનોનું ફંડિંગ પણ સાઉદી અરેબિયામાંથી થતું હતું.