સાઉદી અરેબિયાની જાણીતી વુમેન એક્ટિવિસ્ટ લુજૈન-અલ-હજલૂલને આશરે ત્રણ વર્ષ પછી બુધવારે જેલમાંથી છોડી મૂકવામાં આવી હતી. લુજૈનની ધરપકડ પર ઈન્ટરનેશનલ સ્તર પર ઘણો વિવાદ થયો હતો. સાઉદી અરબમાં મહિલાઓને ગાડી ચલાવવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેને ખતમ કરવા માટે લુજૈનનું સૌથી મોટું યોગદાન છે. તેમની 2018માં ધરપકડ કરવામાં આવી હતી.
સાઉદી સરકાર દ્વારા તેમની ધરપકડ બાદ તેમના પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં તેમના પર આરોપ લગાવાયા હતા કે તેમણે સત્તા બદલવા માટે આંદોલન કર્યું હતી. દેશમાં ઈન્ટરનેટના ઉપયોગથી અવ્યવસ્થા પેદા કરી અને વિદેશી એજન્ડાને આગળ પ્રસારિત કર્યો. લુજૈનને લગભગ 6 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ તેમણે 1001 દિવસ જેલમાં પસાર કર્યા હતા જોકે હવે લુજૈન છૂટી ગયા છે, પરંતુ સાઉદી સરકારે તેના પર હજુ કોઈ ટિપ્પણી કરી નથી.અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ લુજૈનના છોડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.