સાઉદી અરેબિયાએ તેની રૂઢિચુસ્ત છબીમાં સુધારો કરવાનું વધુ એક પગલું લીધું છે. આ મુસ્લિમ દેશ તેની પ્રથમ મહિલા અવકાશયાત્રીને આ વર્ષના અંત ભાગમાં અવકાશ મિશન પર મોકલશે.
સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે 2023ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રાયના બર્નાવી પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશન પર સાથી સાઉદી પુરૂષ અવકાશયાત્રી અલી અલ-કરની સાથે જોડાશે. અમેરિકાથી રવાના થનારા એએક્સ-2 સ્પેસ મિશનમાં આ બંને અવકાશયાત્રીઓ ઉપરાંત બીજા સભ્યો પણ હશે.
મહિલાઓને સ્વતંત્રતા આપવામાં સાઉદી અરેબિયા પણ હવે તેના પડોશી દેશ યુનાઇટેડ આરબ અમિરાત માર્ગ પર ચાલી રહ્યું છે. યુનાઇટેડ આરબ અમિરાતે 2019માં તેના નાગરિકને અવકાશમાં મોકલનાર પ્રથમ આરબ દેશ બન્યો હતો. તે સમયે અવકાશયાત્રી હઝા અલ-મન્સૂરીએ આઈએસએસ પર આઠ દિવસ ગાળ્યા હતા. અન્ય સાથી અમીરાતી સુલતાન અલ-નેયાદી પણ આ મહિનાના અંતમાં સફર કરશે. 41 વર્ષીય નેયાદી અવકાશમાં છ મહિના ગાળનાર પ્રથમ આરબ અવકાશયાત્રી બનશે.