સાઉદી અરેબિયાના શાહજાદા મોહમ્મદ બિન સલમાને જાહેરાત કરી હતી કે, તેઓ દેશના અર્થતંત્રને નવી દિશા આપવાના ઈરાદે ગ્લોબલ લોજિસ્ટિક્સ હબ ઉભું કરવા અને તેના માટે બીજી રાષ્ટ્રીય એરલાઈન શરૂ કરવાનું આયોજન ધરાવે છે. આ અખાતી દેશ હાલમાં તો ક્રુડ ઓઈલ આધારિત અર્થતંત્ર ઉપર લગભગ સંપૂર્ણપણે આધારિત છે.
આ બીજી એરલાઈન ક્યારે અને કેવી રીતે શરૂ કરાશે એની કોઈ વિગતો આપ્યા વિના સાઉદીના સત્તાવાર મીડિયાના રીપોર્ટમાં જણાવાયું હતું કે, બીજી રાષ્ટ્રીય એરલાઈન શરૂ થવાથી એર ટ્રાન્ઝિટ ટ્રાફિકના સંદર્ભમાં સાઉદી વિશ્વમાં પાંચમા ક્રમનો દેશ બની જશે.
ગલ્ફના આરબ દેશોમાં ભૌગોલિક રીતે અને અર્થતંત્રની દ્રષ્ટિએ પણ સૌથી મોટા દેશ, સાઉદી અરેબિયાના અર્થતંત્રની દિશા બદલ ક્રુડ ઓઈલ સિવાયના કારોબારમાંથી થનારી આવકો 2030 સુધીમાં અંદાજે 45 બિલિયન રિયાલના સ્તરે લઈ જવાની દિશામાં પગલાં લેવા શાહજાદા મોહમ્મદ આગેવાની લઈ રહ્યા છે.
દેશને ગ્લોબલ લોજિસ્ટિક્સ હબ બનાવવા માટે બંદરો (પોર્ટ્સ), રેલવે તથા રોડ નેટવર્ક વિકસાવવાની આવશ્યકતા રહે છે. એ કરવાથી સાઉદીના જીડીપીમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રનો ફાળો હાલમાં 6 ટકા છે, તે વધીને 10 ટકાનો થશે એવું સરકારી ન્યૂજ એજન્સી એસપીએના અહેવાલમાં જણાવાયું હતું.
રીપોર્ટમાં શાહજાદાને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, સર્વગ્રાહી સ્ટ્રેટેજીનો ધ્યેય સાઉદી અરેબિયાને ગ્લોબલ લોજિસ્ટિક્સ હબ બનાવી ત્રણ ખંડો માટે કડીરૂપ બની રહેવાનો છે. એનાથી ટુરિઝમ, હજ તથા ઉમરાહ જેવા અન્ય ક્ષેત્રોને પણ તેમના રાષ્ટ્રીય ટાર્ગેટ્સ હાંસલ કરવામાં સહાય મળશે.
બીજી એરલાઈન શરૂ કરવાથી સાઉદી અરેબિયાથી સીધા કનેકશન ધરાવતા ઈન્ટરનેશનલ મથકોની સંખ્યા વધારીને 250થી પણ અધિકની કરી શકાશે તેમજ એર કાર્ગો કેપેસિટી પણ વધારીને બમણી એટલે કે, 4.5 મિલિયન ટનથી વધુની થશે. હાલની રાષ્ટ્રીય એરલાઈન સાઉદી અરેબિયન એરલાઈન્સ (સાઉદીઆ) પોતાના કદની દ્રષ્ટિએ આ પ્રદેશમાં ઘણું જ નાનું નેટવર્ક ધરાવે છે. કારોબાર તથા નાણાંકિય સ્થિતિની દ્રષ્ટિએ પણ સાઉદીઆ સદ્ધર નથી અને તે વર્ષોથી નુકશાન કરતી હોવાના કારણે તેનું અસ્તિત્ત્વ સંઘર્ષમય રહ્યું છે.