વિશ્વના અનેક દેશોમાં અને પ્રાકૃતિક સ્થળોએ વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. સાઉદી અરેબિયાના રણ વિસ્તારોમાં હિમવર્ષાથી પ્રકૃતિ પ્રેમીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. રણનું નામ પડે એટલે રેતી, ધૂળની ડમરીઓ અને ઉંટ તરત યાદ આવે જ, પણ રણમાં હિમવર્ષા જોઇને કાશ્મિર કે સ્વિત્ઝર્લેન્ડ હોય તેવું પ્રથમ નજરે જણાય છે. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતનું રણ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવું જણાઇ રહ્યું છે. અહીંના રણમાં કદાચ પ્રથમવાર બરફવર્ષા થઇ છે. બાળકો અને મોટી ઉંમરના લોકો ઠંડીથી બચવા તાપણું કરી રહ્યા છે. આ બરફવર્ષાને કારણે લોકો ઘોડા પર એક સ્થળેથી બીજા સ્થળે જઇ રહ્યા છે અને ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે. ભારે હિમવર્ષાને કારણે લોકો ખુલ્લી જગ્યામાં ભોજન બનાવી રહ્યા છે, જે ટેન્ટમાં શક્ય નથી. એક ફોટોગ્રાફરે રણમાં બરફવર્ષાથી પથરાયેલી સફેદ ચાદરની અલૌકિક ઘટના કેમેરામાં કેદ કરી હતી.