હિન્દુ કાઉન્સિલ યુકેના સહ-અધ્યક્ષ સત્ય પ્રકાશ મિન્હાસનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ન્યુ સ્કોટલેન્ડ યાર્ડમાં મેટ્રોપોલિટન પોલીસ હિન્દુ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપતા હતા.
તેઓ યુ.કે.માં હિન્દુ સમુદાયના હિમાયતી હતા અને વિવિધ ધાર્મિક સંગઠનોમાં તેમણે લાંબા કાર્યકાળ સુધી બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. હિંદુ ધર્મ અને સમુદાયને લગતી બાબતોમાં તેઓ વિશાળ અનુભવ ધરાવતા હતા. તેઓ હિન્દુ ધર્મ અને હિન્દુ કાઉન્સિલ યુકેના ઉદ્દેશો માટે કટિબદ્ધ હતા. તેઓ ખૂબ જ સહાયક અને રચનાત્મક સાથીદાર હતા અને આપણા ધર્મ અને સમાજના વિકાસ માટે કોઈપણ હદ સુધી જવા માટે હંમેશા તત્પર રહેતા હતા.
સત્ય પ્રકાશ મિન્હાસે સ્વેચ્છાએ મેટ્રોપોલિટન પોલીસ હિન્દુ એસોસિએશનના કારોબારી સમિતિના સભ્ય, ખજાનચી અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. તેમણે મેયરની ઓફિસ ઓફ પોલીસિંગ અને ક્રાઇમ અને મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ બિલ્ડિંગમાં હિન્દુ આસ્થાની જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેઓ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે 2015માં યોજાયેલ દિવાલી ઇન લંડનના સહ-અધ્યક્ષ અને ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમના એક્ઝિક્યુટિવ સભ્ય હતા.
હિન્દુ કાઉન્સિલ યુકેના જનરલ સેક્રેટરી રજનીશ કશ્યપ, સહ-અધ્યક્ષ ઉમેશ ચંદર શર્મા, MPHA સેક્રેટરી વર્ષા મિસ્ત્રી, ઇનટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના રાજ રાજેશ્વર ગુરૂજીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.