ફાઇલ ફોટો (ANI Photo/ Mohd Zakir)

બેડમિંટનમાં પુરૂષોની ડબલ્સમાં વિશ્વની નંબર વન ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે ફ્રેન્ચ ઓપન સુપર 750 ટુર્નામેન્ટનો પોતાનો તાજ જાળવી રાખ્યો હતો. ગયા સપ્તાહે રમાયેલી ફાઈનલમાં તેઓએ ફક્ત માત્ર 36 મિનિટના મુકાબલામાં ચાઈનીઝ તાઈપેઈના લી ઝે હુઈ અને યાંગ પો હ્વાનને હરાવી પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. ભારતીય જોડીએ ફાઇનલમાં સીધા સેટમાં 21-11, 21-17થી વિજય હાંસલ કર્યો હતો.

ભારતીય ખેલાડીઓ માટે તે 2024નું પહેલું અને એકંદરે સાતમું વર્લ્ડ ટૂર ટાઇટલ છે. આ વર્ષની શરૂઆતમાં આ જોડી બે ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય જોડીએ 2022માં પણ ફ્રેન્ચ ઓપનનો ખિતાબ હાંસલ કર્યો હતો. પ્રથમ ગેમ બન્નેએ 21-11ના માર્જિનથી ફક્ત 15 મિનિટમાં જીતી લીધી હતી.

અગાઉ સેમિફાઇનલમાં સાત્વિકસાઇરાજ અને ચિરાગે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન દક્ષિણ કોરિયાના કાંગ મિન્હ્યુક અને સિયો સેઉંગઝાએને બે સીધી ગેમમાં 21-13, 21-16થી હરાવીને પોતાની ત્રીજી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સાત્વિકસાઈરાજ અને ચિરાગની ભારતીય જોડી આ વર્ષે સતત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. જો કે મલેશિયા ઓપન અને ઇન્ડિયા ઓપનના ટાઇટલ જંગમાં તેમનો પરાજય થયો હતો.  હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા આ ભારતીય જોડીએ વર્ષ 2022માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું અને વર્ષ 2019માં રનર્સઅપ રહી હતી.

પી. વી. સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજયઃ ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પી. વી. સિંધુનો ગયા સપ્તાહે ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિંટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન હરીફ, ચીનની ચેન યુ ફેઈ સામે ભારે સંઘર્ષ પછી 92 મિનિટના મુકાબલાના અંતે 24-22, 17-21, 18-21થી પરાજય થયો હતો.

ઈજાના કારણે ચાર મહિના આરામ ઉપર રહેલી સિંધુની વાપસીની આ પહેલી ટુર્નામેન્ટ હતી અને તે હકિકતને ધ્યાનમાં લેતાં તેની સ્ટ્રોકપ્લે તથા શારીરિક ફિટનેસ ઘણી સારી જણાઈ હતી.

ડીફેન્ડીંગ ચેમ્પિયન ચેન સામે સિંધુનો આ 12મો મુકાબલો હતો અને હવે બન્ને 6-6 જંગમાં વિજેતા રહ્યા છે. જો કે, ચેન સામે તેનો છેલ્લો વિજય 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં હતો, એ વખતે સિંધુ આખરે ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી.

LEAVE A REPLY