જીવનમાં સત્સંગ અને સકારાત્મક ચિંતન આવશ્યક છે. જેનાથી આપણું સમગ્ર જીવન સદાચારમય બની રહે. કેટલાક લોકો એવી દલીલ કરતાં હોય છે કે, “ભગવાન તો સર્વવ્યાપક છે, તેને મૂર્તિમાં કેમ બાંધી શકાય?” ત્યારે કહેવાનું કે ભગવાન સર્વવ્યાપક છે, એ સત્ય છે, પરંતુ ચંચળ મનને સ્થિર કરવા માટે કંઇક આધાર જોઈએ, અધિષ્ઠાન જોઈએ એટલા માટે મૂર્તિપૂજા કરીએ છીએ. હું પાઠશાળામાં ભણતો હતો ત્યારે ગણેશ ચતુર્થીએ અમારા ગુરુમાને ગણેશજીની પૂજા કરવાની હતી. દેવનું સ્વરૂપ શું હોય છે? ક્યારેક તો શ્રદ્ધાપૂર્વક એક પથ્થરને ફકત સિંદુર લગાડવાથી હનુમાનજી બની જાય છે. તો અધિષ્ઠાન જોઈએ. વૈષ્ણોદેવીમાં ત્રણ પિંડી છે એમાં માતાજીની ભાવના કરવાની છે, આ પરામ્બા ભગવતી એટલે પ્રકૃતિ. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે.
“હું અજન્મા અને અવિનાશી હોવા છતાં સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર છું….’ ઈશ્વર કોને કહેવાય? જો બધાના નિયંતા હૈ, બધાને નિયંત્રણમાં રાખનારા છે. પછી કહે છે કે હું પ્રકૃતિને વશ કરીને મારી યોગમાયા દ્વારા પ્રગટ થઉં છું. પ્રકૃતિ પરામ્બા ભગવતી છે. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણેય ગુણોની સામ્યાવસ્થા એ પ્રકૃતિ છે. આપણું આ શરીર એ પણ પ્રકૃતિ છે. આપણું પંચભૌતિક પિંડ એટલે શરીર. વૈષ્ણોદેવીમાં ત્રણ પિંડ છે એમાં એક પિંડ એટલે આપણો આ પંચભૌતિક પિંડ, બીજો પિંડ એટલે મન અને મન એટલે લાગણી. માણસ લાગણીનો બનેલો છે. કોઈકે બે સારા સબ્દો કહ્યા હોય અને ખુશ થઇ જઈએ. કોઈકે કડવા વેણ કહ્યાં હોય અને દુઃખી થઇ જઈએ, રડવા લાગીએ, ખોટું લાગી જાય અથવા મારામારી કરવા પર ઉતરી આવીએ. માણસ લાગણીનો બનેલો છે, ત્રીજા પિંડ એટલે વૈચારિક પિંડ-બુદ્ધિ, એની પાસે વિચારો છે. તો વિચાર, લાગણી અને આ ભૌતિક પિંડ દ્વારા થતા કર્મો. આ ક્રિયા, વિચાર અને ભાવના આ ત્રણેયનું મિશ્રણ એટલે ચરિત્ર.
આપણે ક્રિયાના બનેલા છીએ, આપણે ભાવનાના બનેલા છે. આપણે વિચારના બનેલા છીએ. આ ત્રણેય મળી આપણું જીવન બને છે, અસ્તિત્વ બને છે. એટલે એ પરામ્બા ભગવતીની ત્યાં પૂજા થાય છે. આપણે પણ ત્રણેયની પૂજા કરવાની છે.
કથામાં બેઠા હોઈએ ત્યારે વૈચારિક પિંડની પૂજા ચાલે છે. જોકે, આપણી વિચાર પ્રક્રિયા સાચી હોય એ અત્યંત જરૂરી છે. પ્લેટો કહે છે કે વસ્તુ બનતાં પૂર્વે તેનો વિચાર મગજમાં આવે છે અને પછી તે બને છે. ટેબલ બનતાં પૂર્વે તેનો વિચાર સુથારનાં મનમાં આવે છે. આપણું વિશ્વ વિચારોનું બનેલું છે. મનુષ્ય એ વિચારોથી બનેલો છે. તમારી દુનિયા એવી જ બનશે, જેવું તમે વિચારો છો. માટે નકારાત્મકતાને દૂર કરી દો. તમારે હંમેશા સકારાત્મક ચિંતન કરવાનું છે. ઘણીવાર એવું બને છે કે માણસ પોતાની સમસ્યાઓ વિશે વિચારતા વિચારતા અનેક સમસ્યાઓને જન્મ આપી બેસતો હોય છે.
ગમે તેટલી સમસ્યાથી ઘેરાયેલા હોઈએ અને દુઃખથી પીડાતા હોઈએ ત્યારે પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે જીવનમાં ક્યાંક તો સારું થયું છે, ક્યારેક તો સારું થયું છે. સૂતાં પહેલાં આ મુજબ ચિંતન કરવાનું છે કે, હે ભગવાન! તેં મારા જીવનમાં આ સારું કર્યુ હતું, મારા જીવનમાં સૌથી સારી ક્ષણો આ હતી, સહુથી ખુશીની ક્ષણો આ હતી એને યાદ કરવાની. ડાહ્યો માણસ હોય તે દુઃખથી એકવાર દુઃખી થાય અને બેવકૂફ હોય તે એક જ દુઃખથી અનેકવાર દુઃખી થાય તેને યાદ કરી કરીને.
હા એક વાત પણ ચોક્કસ યાદ રાખવાની છે કે કોઈ તમારું અપમાન કરી શકે છે, પરંતુ તમને અપમાનિત નથી કરી શકતું, કેમકે કોઈએ વાણી કે વર્તન દ્વારા તમારું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એ તેની ક્રિયા છે, એક્શન છે. તેની સામે જો તમે પ્રતિક્રિયા – રીએક્શન ન આપો તો તમે અપમાનિત થતાં નથી. તમારે અપમાનિત થવું કે ન થવું એ તમારા હાથમાં છે.
આમ, આ બધી જ વાતો મન અને વિચારો સાથે સંકળાયેલી છે. માટે જ જીવનમાં સત્સંગ હશે તો સકારાત્મક વિચારો આવશે અને સારા ગ્રંથોનું વાંચન અને સદ્ગુરુ દ્વારા સારી વિદ્યાનું આપણા જીવનમાં પોષણ થયું હશે તો તમને મંદિરમાં પથ્થર નહીં દેખાય, પરંતુ તમને લાગશે કે હવે એ પથ્થર નથી રહ્યો, પરંતુ પ્રાણ-પ્રતિષ્ઠા બાદ તેમાં દેવનું સ્થાપન થયું છે અને ત્યાં પરમાત્માનો નિવાસ છે અને ત્યારે તમારું મંદિરમાં દર્શન કરવું સાર્થક બની રહેશે. આ રીતે વિચારને સકારાત્મકતામાં પરિવર્તિત કરી દેશો તો બધે જ તમને સારું અને શ્રેષ્ઠતાનું જ દર્શન થતું રહેશે.
-પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા