ભારતીય ટેલિવિઝન અને ફિલ્મોના પીઢ અભિનેતા સતીશ શાહ તાજેતરમાં જ લંડનના હીથ્રો એરપોર્ટ પર વંશીય ટિપ્પણીનો ભોગ બન્યા હતા. જોકે, સતીશ શાહે તરત જ જે જવાબ આપ્યો તેનાથી ચાહકો ઘણાં જ ખુશ થયા છે. સતીશ શાહે સોશિયલ મીડિયામાં પોતાના જવાબ પોસ્ટ કર્યો છે.
સતીશ શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, કેવી રીતે હીથ્રો પર સ્ટાફ હેરાન થઇને પોતાનો સાથી કર્મચારીને સવાલ કરે છે કે આખરે આ લોકોને કેવી રીતે ફર્સ્ટ ક્લાસની ટિકિટ પરવડે છે? સતીશ શાહે તેમની વાતો સાંભળીને તેમને ગર્વભેર હસીને જવાબ પણ આપ્યો હતો, કારણ કે, આપણે ભારતીયો છીએ. સતીશ શાહની આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ છે.
અનેક યુઝર્સે આ પોસ્ટ પર જયહિન્દ લખ્યું હતું. ઘણા યુઝર્સે સતીશ શાહને સલાહ પણ આપી હતી. એક યુઝર્સે કહ્યું હતું, બીજીવાર તેમને વધુ કહેજો કે આજે તે લોકો જે પણ કંઇ પરવડે છે તે ભારતના નાણાના કારણે છે. તમારા પૂર્વજો ભારતમાંથી લૂંટીને લઇ ગયા હતા. અન્ય એક યુઝરે કહ્યું હતું કે, તેમને કહેજો કે અમારું દિલ્હીનું કે હૈદરાબાદનું એરપોર્ટ જુએ તો ખ્યાલ આવશે કે હીથ્રો ક્યાં છે? ઉલ્લેખનીય છે કે, સતીશ શાહે 1970માં ફિલ્મ ‘ભગવાન પરશુરામ’થી કરિયરની શરૂઆત કરી હતી. સતીશ 1984માં આવેલી સીરિયલ ‘યે જો હૈ જિંદગી’થી ઘેર-ઘેર લોકપ્રિય થયા હતા. આ સીરિયલને કુંદન શાહ તથા મંજુલ સિંહાએ ડિરેક્ટ કરી હતી. આ સીરિયલમાં સતીશ શાહે 55 એપિસોડમાં અલગ-અલગ 55 ભૂમિકા ભજવી હતી. 1995માં આવેલી સીરિયલ ‘ફિલ્મી ચક્કર’માં 50 રોલ પ્લે કર્યા હતા.