અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ ગયા ઓગસ્ટ માસમાં લંડનમાં મિલિયન પીપલ્સ માર્ચ અને બ્લેક લાઇવ્સ મેટરના નેજા હેઠળ થયેલા દેખાવોના સહ-આયોજક 27 વર્ષીય સાશા જોન્સન પર સાઉથ-ઇસ્ટ લંડનના પેકામમાં ગોળીબાર કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. બ્લેક લાઇવ્સ મેટરની એક્ટીવીસ્ટ સાશાની હાલત ગંભીર હોવાનું તેની સાથેના સંલગ્ન જૂથ, ટેકિંગ ધ ઇનિશિયેટિવ પાર્ટીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.
મેટ પોલીસે નિવેદનમાં કહ્યું હતું કે ‘’મહિલાને મળસ્કે 3 વાગ્યા પહેલા સાઉથ ઇસ્ટ લંડનના પેકામમાં ગોળી વાગ્યાના અહેવાલો બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. આ હુમલો તેને ટારગેટ કરીને કરાયો હોય તેવું સૂચવતું કંઈ મળ્યું નથી. માનવામાં આવે છે કે શૂટિંગ તેના ઘરની નજીકમાં કોન્સર્ટ રોડ વિસ્તારમાં થયું હતું, જ્યાં પાર્ટી થઈ રહી હતી અને સંખ્યાબંધ લોકો આ વિસ્તારમાં હોઈ શકે છે. મેટની સ્પેશ્યાલીસ્ટ ક્રાઈમ કમાન્ડ (ટ્રાઇડન્ટ)ના ડિટેક્ટિવ તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસે સાક્ષીઓને માહિતી આપવા અપીલ કરી હતી.’’
આ જૂથના ફેસબુક પેજ પર એક નિવેદનમાં પાર્ટીએ કહ્યું હતું કે “મૃત્યુની અસંખ્ય ધમકીઓ બાદ આ ઘટના રવિવારના વહેલી સવારે બની હતી. હાલ તેણીને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે અને તેની ગંભીર હાલતમાં છે. સાશા હંમેશાં શ્યામ લોકો અને શ્યામ સમુદાયને ઘેરાયેલા અન્યાય માટે સક્રિયપણે લડતી રહી છે. તેણી બીએલએમના સભ્ય અને ટેકિંગ ધ ઇનીશેટીવ પાર્ટીની એક્ઝિક્યુટિવ લીડરશીપ કમિટીના સભ્ય પણ છે. સાશા ત્રણ બાળકોની માતા છે.”
ગયા વર્ષે BLM વિરોધ દેશભરમાં ફેલાયો હતો ત્યારે માર્ચ યોજવામાં મદદ કરીને અને ભીડને સંબોધિત કર્યા પછી તેણી પ્રખ્યાત થઈ હતી. તેણીએ ઓક્સફર્ડ બ્રૂક્સ યુનિવર્સિટીમાંથી સોશ્યલ કેરમાં પ્રથમ-વર્ગ સાથે ડિગ્રી હાંસલ કરી છે.
લેસ્ટર ઇસ્ટના સાંસદ, ક્લાઉડિયા વેબ્બે હુમલાને વખોડી કાઢ્યો હતો.