ભારતના જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું 90 વર્ષની ઉંમરે અમેરિકા ખાતે નિધન થયું છે. તેઓ ઉંમરસહજ માંદગીને લીધે પથારીવશ હતા અને હાર્ટએટેકના કારણે તેમનું અવસાન થયું છે. હરિયાણાના હિસ્સાર જિલ્લામાં જન્મેલા પંડિતજીના પિતા મોતીરામ પણ શાસ્ત્રીય ગાયક તરીકે જાણીતા હતા. પરિવારમાં જ સંગીતનું વાતાવરણ પામેલા પંડિતજીએ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આરંભે તબલાવાદક તરીકે તાલીમ મેળવી હતી.
બાદમાં વિખ્યાત ગાયિકા બેગમ અખ્તરે તેમના અવાજની વિશિષ્ટ રેન્જ પારખીને તેમને ગાયકીની તાલીમ લેવા સુચવ્યું હતું. એ પછી પંડિતજીએ મેવાતી ઘરાણાના વિવિધ ઉસ્તાદો પાસેથી ગાયકી શીખી હતી. મેવાતી ઘરાણાની વિશિષ્ટતા ગણાતી ખયાલ ગાયકીને પંડિતજીએ અનોખા પ્રયોગો વડે નવી ઊંચાઈ આપી હતી. પંડિત ભીમસેન જોશી પછી જસરાજ જ એવા શાસ્ત્રીય ગાયક હતા જે સંગીતના દરેક સ્તરના ચાહકોમાં ભારે લોકપ્રિય હતા.
પંડિતજીના પત્ની મધુરા જાણીતા ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામના પુત્રી છે. પંડિતજીના પુત્ર સારંગદેવ અને પુત્રી દુર્ગા પણ સંગીત, અભિનય અને એન્કરિંગ ક્ષેત્રે જાણીતા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના કોર્પોરેટ અફેર્સ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરીને પંડિતજીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે પંડિત જસરાજ દ્વારકાધીશના પરમ ભક્ત હતા.