બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાનનું ગત વર્ષે 3 જુલાઇના રોજ અવસાન થયું હતું. તેમની ઉંમર 71 વર્ષની હતી. માસ્ટરજીના નામે લોકપ્રિયતા મેળવનાર સરોજ ખાને બોલીવૂડમાં એકથી એક યાદગાર ગીતોની કોરિયોગ્રાફી કરી છે.
માધુરી અને શ્રીદેવી જેવી દિગ્ગજ અભિનેત્રીઓની લોકપ્રિયતામાં પણ તેમનો ફાળો છે. ગત સપ્તાહે તેમની પ્રથમ પૂણ્યતિથી નિમિતે ભૂષણ કુમારે બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સરોજ ખાન બોલીવૂડના પ્રથમ મહિલા કોરિયોગ્રાફર હતા. તેમની કારકિર્દીના સંઘર્ષ અને સફળતાની વાતો ભૂષણ કુમારની ટી સીરીઝ સિનેમાના પડદે લઇને આવશે.
આ બાયોપિક પ્રોડયુસ કરવાના હક્ક પણ મળી ગયા છે. ભૂષણ કુમારને તેમના સંતાનો તરફથી પણ જીવનકથની બનાવાની મંજૂરી મળી ગઇ છે.
સરોજ ખાનનું મૂળ નામ નિર્લમા નાગપાલ હતું. ત્રણ વર્ષની ઉંમરે જ ડાન્સ કરનારી સરોજનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેમણે શરૂઆતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. સરોજ ખાને કારકિર્દીમાં બે હજારથી પણ વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. તેમણે નૃત્યની તાલિમ સોહનલાલ પાસેથી લીધી હતી. તેણે ૧૩ વર્ષની નાદાન વયે પોતાના 43 વર્ષીય ગુરુ સોહનલાલ સાથે લગ્ન કર્યા હતા. સરોજે 14 વર્ષની ઉંમરે એક પુત્રને જન્મ પણ આપ્યો હતો. જોકે આ લગ્નજીવન લાંબુ ટક્યું નહોતું અને તેમણે પછી સરદાર રોશન ખાન સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેને એક પુત્રી સુકૈના જન્મી હતી.સરોજે અંગત જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, જોકે તે નબળા મનની ન હોવાથી તેણે મક્કમતાથી સામનો કર્યો હતો.