મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ રવિવારે સવારે આ ચોમાસામાં પ્રથમ વખત સંપર્ણ ભરાયો હતો. ડેમમાં જળસ્તર 138.68 મીટર્સે પહોંચ્યું હતું, તેથી  અધિકારીઓએ પાડોશી મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાંથી આવતા વધારાના પાણીને છોડવા માટે ડેમના 30માંથી 23 દરવાજા ખોલ્યાં હતા.

નર્મદા નદી પરનો ડેમ ગુજરાતની રાજ્યની જીવાદોરી ગણાય છે અને તે સંપૂર્ણપણે ભરાઈ જતાં વહીવટીતંત્ર તેમજ નાગરિકોને રાહત મળશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના અધિકારીએ જણાવ્યું હતું કે 7.9 મીટરની ઊંચાઈએ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, કુલ 18,41,566 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આની સામે 18,63,117 ક્યુસેક પાણીની પડોશી મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાંથી આવક થઈ રહી છે. પાણીના સ્તરમાં વધારો થવાથી સત્તાવાળાઓને એલર્ટ જારી કર્યો હતો અને નર્મદા નદીના કિનાે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપી હતી.

વડોદરામાં 250થી વધુ અને ભરૂચમાં 300થી વધુ લોકોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્થાનિક બચાવ ટીમોની મદદથી અત્યાર સુધીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. વડોદરાના કરજણ તાલુકામાં નર્મદા નદીના એક ટાપુ પર ફસાયેલા 11 લોકો માટે વડોદરા સત્તાવાળાઓએ ભારતીય વાયુસેના (IAF)ની મદદ પણ માંગી હતી. NDRFની ટીમે વડોદરાના કરજણ તાલુકાના નાની સૈર ગામમાંથી પાંચ પુરૂષો, એક મહિલા અને 10 બાળકોને બચાવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.

ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં નર્મદા નદી 31 ફૂટ ઉપર વહી રહી છે, જે 24 ફૂટના ડેન્જર લેવલ કરતાં વધુ છે. સાવચેતીના પગલા તરીકે, અમે રાત્રિ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાંથી 338 લોકોને સ્થળાંતર કર્યા હતા. નદીમાં જળસ્તર 36 ફૂટે પહોંચવાની શક્યતા હોવાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY