ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો કેવડિયા ખાતેનો સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવાર (15 સપ્ટેમ્બરે) મા નર્મદાના નીરના વધામણા કર્યા હતા. અગાઉ 2019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીએ ભરાતાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા.
2020માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર 2022માં 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા. આ નર્મદા જળ વધામણાં પ્રસંગે રાજ્યપ્રધાન જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્ય મનસુખ ભાઈ વસાવા, મુખ્યપ્રધાન મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સરદાર સરોવર નિગમના એમ.ડી જે.પી.ગુપ્તા અને પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડેમમાં 4.73 મિલિયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ડેમ પૂરોપૂરો ભરાઈ ગયો હોવાથી ઉનાળાની સીઝન સુધી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં પુરતું પાણી આપી શકાશે. નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ લોકોને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે.
નર્મદા નદીનું પાણી કેવડીયા એકતાનગરથી 743 કિમી દૂર કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા પહોંચે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ આ બહુહેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી. વડાપ્રધાનના જ વરદહસ્તે 2017ની 17મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.