સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા ગુરૂવારે સવારની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી ૧૩૫ મીટરની નજીક પહોંચી હતી. નર્મદા ડેમની સપાટી હાલ ૧૩૪.૮૮ મીટરે પહોંચી હતી એટલે કે નર્મદા ડેમ ૯૭.૨૫ ટકા ભરાઇ ગયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમની સપાટી તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર ૪ મીટર દૂર છે. પાણીનો ફ્લો આ રીતે જ ચાલુ રહ્યો તો એક અઠવાડિયામાં નર્મદા ડેમ છલકાશે. હાલ ઉપરવાસમાંથી ૩.૮૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.
નર્મદા ડેમના ૧૦ દરવાજા ૦.૮ મીટરથી ખોલી ૧.૧૩ લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજા અને રિવરબેડ પાવર હાઉસ મળીને નર્મદા નદીમાં કુલ ૧.૫૫ લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે નર્મદા નદીમાં પાણી ઓછું થતાં નર્મદા નદીના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. નર્મદા ડેમમાં હાલ ૪૫૯૮.૬૦ ક્યૂસેક લાઇવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
દરમિયાન ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજે પણ નર્મદા નદીની જળસપાટીમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લો પૂરની સ્થિતિથી બહાર આવી ગયો છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તર ૧૫.૫૦ ફૂટે સ્થિર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ ફૂટ પાણી ઉતર્યું છે. પૂરના પાણી ઓસરતા વહીવટી તંત્ર અને લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
