સારાહ એવરર્ડની ગયા વર્ષે બળાત્કાર કરીને હત્યા કરવા બદલ લંડનના ભૂતપૂર્વ પોલીસ અધિકારી વેઇન કુઝન્સને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. વેઇન સામે વધુ સેક્સ ગુનાઓનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
આખા યુકેમાં ભારે લોકજુવાળ જગાવનાર સારાહ એવરર્ડ બળાત્કાર – હત્યા કેસમાં જેલ સજા મેળવનાર વેઇન પર શુક્રવારે તા. 18ના રોજ અશ્લીલ હુમલો કરવાના ચાર નવા કાઉન્ટ સાથે આરોપ મૂકવામાં આવ્યો હતો. આ હુમલો હત્યાના થોડા અઠવાડિયા પહેલા કરાયો હતો.
49 વર્ષના વેઇન કુઝન્સનું કામ ડીપ્લોમેટીક પ્રિમાઇસીસનું રક્ષણ કરવાનું હતું. વેઇને ગયા વર્ષે માર્ચ માસમાં એક મિત્રને મળીને ઘરે જતી માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સારાહ એવરર્ડનું સાઉથ લંડનના ક્લેફામની શેરીમાંથી અપહરણ કર્યું હતું. પોલીસ આઇકાર્ડનો ઉપયોગ કરીને વેઇને તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તેણીનો મૃતદેહ પાછળથી સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડમાં લગભગ 50 માઈલ દૂર જંગલમાંથી મળી આવ્યો હતો.
વેઇનને કહેવામાં આવ્યું હતું કે તેને પેરોલની કોઈ તક આપવામાં નહિં આવે અને આખુ જીવન માટે જેલમાં જશે.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના સ્પેશિયલ ક્રાઈમ ડિવિઝનના વડા રોઝમેરી આઈન્સલીએ જણાવ્યું હતું કે, “મેટ્રોપોલિટન પોલીસ દ્વારા પુરાવાના રેફરલને પગલે, CPS એ વેઈન કુઝેન્સ સામે અશિષ્ટ વર્તન કરવાના ચાર આરોપોને અધિકૃત કર્યા છે. આ ચાર કથિત ગુના જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 વચ્ચે થયા હતા.”
તેને 13 એપ્રિલે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાશે. જાન્યુઆરીમાં, સરકારે જાહેરાત કરી કે એવરર્ડની હત્યા કરતા પહેલા કુઝેન્સને રોકી શકાય તેમ હતો કે કેમ તેની જાહેર તપાસ કરાશે.
સારાહના મૃત્યુને કારણે જાહેર રેલીઓ અને મહિલાઓના ગુસ્સામાં વધારો થયો હતો. ગયા અઠવાડિયે લંડનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે સારાહ માટે ઝુંબેશ ઉઠાવનાર લોકોને આઉટડોર વિજિલ રદ કરવા માટે કોવિડ-19ના નિયમોના નામે દબાણ કર્યું હતું. ઘણી મહિલાઓની ધરપકડ કરવા માટે ભારે હાથે કામ લેનાર પોલીસે ગેરકાયદેસર રીતે કાર્ય કર્યું હતું. કોવિડ-19 નિયમોનો ઉપયોગ કરવા બદલ પોલીસની વ્યાપક નિંદા કરવામાં આવી હતી.