વીડિયો-લિન્ક દ્વારા ઓલ્ડ બેઇલી કોર્ટમાં હાજર થયેલા મેટ પોલીસ અધિકારી પીસી વેઇન કૌઝેન્સે 33 વર્ષીય સારાહ એવરાર્ડનું અપહરણ કરી બળાત્કાર કર્યો હોવાની કબુલાત કરી છે. કોર્ટે સાંભળ્યું હતું કે ડીલના પીસી વેઈને સારાહના મૃત્યુ માટેની જવાબદારી પણ સ્વીકારી છે, પરંતુ હત્યાના આરોપ માટે પ્લી દાખલ કરી નથી. કોર્ટ હત્યાના આરોપો અંગે તબીબી અહેવાલોની રાહ જોઇ રહી છે.
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સારાહ એવારાર્ડ ગત તા. 3 માર્ચના રોજ રાત્રે સાઉથ લંડનના ઘરે જવા ક્લેફામથી બ્રિક્સ્ટન તરફ ચાલતી જતી હતી તે વખતે ગાયબ થઈ હતી અને તેનો મૃતદેહ એક અઠવાડિયા પછી 10 માર્ચે કેન્ટના એશફર્ડ નજીક વૂડલેન્ડમાંથી મળી આવ્યો હતો. તેણીના બોયફ્રેન્ડ દ્વારા તા. 4 માર્ચે તેણી ગુમ થઇ હોવાની જાણ કરવામાં આવી હતી.
પીસી કૌઝેન્સ બેલમાર્ષ જેલમાંથી વીડિયો લિંક દ્વારા કોર્ટમાં હાજર થયો ત્યારે તેણે ખાખી ટ્રાઉઝર અને ગ્રે સ્વેટશર્ટ પહેર્યો હતો. તેને “ગેરકાયદેસર અને બળપૂર્વક અથવા છેતરપિંડી કરીને” અપહરણ કરવા અને 2 થી 10 માર્ચની વચ્ચે બળાત્કારના બીજા આરોપ માટે પણ દોષી ઠેરવ્યો હતો. આ બંને આરોપોનો જવાબ તેણે “હા સર” કહીને આપ્યો હતો. એવરાર્ડના કુટુંબના ચાર સભ્યો આ અરજીઓની સુનાવણી માટે કોર્ટમાં હાજર હતા.
આગામી અરજીની સુનાવણી તા. 9 જુલાઈએ થવાની છે.