લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં તેની ભૂમિકા માટે જાણીતી બનેલી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર નિર્માતા જેડી મજેઠિયાએ શેર કર્યા હતા. આ અકસ્માત ઉત્તર ભારતમાં થયો હતો. અભિનેત્રી તેના મંગેતર સાથે કુલ્લુની મુલાકાત લેવા નીકળી હતી અને ત્યાં આ અકસ્માત થયો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સહિત ઘણા ટીવી સ્ટાર્સ તથા ગુજરાતી ફિલ્મના જગતની હસ્તીઓએ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વૈભવી ઉપાધ્યાય માત્ર 32 વર્ષના હતા.
JD મજેઠિયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે “જીવન ખૂબ જ અણધાર્યું છે. સારાભાઈ વિરુદ્ધ સારાભાઈની ‘જાસ્મિન’ તરીકે જાણીતી એક ખૂબ જ સુંદર અભિનેત્રી અને પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું. તે ઉત્તરમાં એક અકસ્માતનો ભોગ બની હતી. પરિવાર તેને આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈ લઈ જશે.
વૈભવીએ 2020માં ‘છપાક’ ફિલ્મ અને ‘તિમિર’ (2023)માં દીપિકા પાદુકોણ સાથે પણ કામ કર્યું હતું. વૈભવીના મૃત્યુના સમાચાર એક્ટર આદિત્ય સિંહ રાજપૂત 22 મેના રોજ મુંબઈના અંધેરીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યાના થોડા દિવસો બાદ આવ્યા છે.