સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાનને ફરવાની ખૂબ જ શોખીન છે. જ્યારે પણ તે શૂટિંગમાંથી ફ્રી હોય ત્યારે પોતાનાં મિત્રો સાથે ફરવા નીકળી પડે છે. તાજેતરમાં જ તેણે કેદારનાથ ધામનાં દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તેની પ્રથમ ફિલ્મનું નામ પણ કેદારનાથ હતું, જેમાં સુશાંતસિંહ રાજપુત તેનો હીરો હતો. આ ફિલ્મનાં શૂટિંગ માટે તે બે મહિના અહીં રહી હતી. સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં તે બરફવર્ષામાં કેદારનાથ ધામનાં દર્શન કરતી નજરે પડે છે. જો કે તે દર્શન કરીને મુંબઇ પરત ફરી ચૂકી છે. તસવીરમાં જોવા મળે છે કે તે એક પથ્થર પર બેસીને પ્રાર્થના કરી રહી છે. તેણે લાલ કલરની શાલ ઓઢી છે.
ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરતા સારાએ પોતાનાં દિલની વાત રજૂ કરતાં કેપ્શનમાં લખ્યુઃ “પ્રથમવાર હું જ્યારે આ જગ્યાએ આવી ત્યારે મેં કેમેરાનો સામનો પણ નહોતો કર્યો. આજે હું કેમેરા વિના મારા જીવનની કલ્પના પણ કરી શકતી નથી. આભાર કેદારનાથ. આજે હું જે પણ છું, મને એ બનાવવા માટે અને આ બધું આપવા માટે.” સારાની નવી ફિલ્મોની વાત કરીએ તો તે આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઇન દિનો’માં જોવા મળશે. આ ફિલ્મ 23 ડિસેમ્બર, 2023નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત, વિકી કૌશલ સાથે ‘લુકા છીપી 2’, ‘એ વતન મેરે વતન’માં પણ જોવા મળશે.