સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન માટે માર્ચ મહિનો ખૂબ વ્યસ્ત રહ્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર સારાની ફિલ્મ મર્ડર મુબારક અને એ વતન મેરે વતન રિલીઝ થઈ હતી. સારાએ આ બંને ફિલ્મમાં અલગ પ્રકારના રોલ પર હાથ અજમાવ્યો છે. ‘મર્ડર મુબારક’ સસ્પેન્સ થ્રિલર છે, જ્યારે ‘એ વતન મેરે વતન’માં સારાએ સ્વતંત્રતા સેનાની ઉષા મહેતાનો રોલ કર્યો હતો.
સારાએ એક્ટિંગમાં અલગ-અલગ પ્રકારના રોલ કર્યા છે ત્યારે તેને પોતાની કરિયરનો વ્યાપ વધારવામાં પણ રસ છે. અભિનયની સાથે રાજકારણમાં ઝુકાવવાની તક મળે તો સારા તેને ઝડપી લેવા ઇચ્છે છે.
સ્ટેન્ડ અપ કોમેડિયન અનુભવ સિંગ બસ્સી સાથે ચર્ચા દરમિયાન સારા અલી ખાનને રાજકારણમાં જોડાવાની ઈચ્છા અંગે સવાલ પૂછાયો હતો. સારાએ તેનો સીધો હકારાત્મક જવાબ આપ્યો હતો. સારાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી છે. અગાઉ 2019માં પણ સારા પોતાની આ ઈચ્છા જાહેર કરી ચૂકી હતી. તે પોતાના પાછળના જીવનમાં રાજકીય ક્ષેત્રે ઝુકાવવાની ઈચ્છા રાખે છે. જોકે, રાજકારણ તેનો બેકઅપ પ્લાન નથી. બોલિવૂડમાં તક મળતી રહે અને લોકો ઈચ્છે ત્યાં સુધી કામ કરવાની ઈચ્છા છે.
‘એ વતન મેરે વતન’માં સારાએ સ્વતંત્રતા સેનાની ઉષા મહેતાની ભૂમિકા સારી ભજવી હોવાથી તેની પ્રશંસા કરતા મહાત્મા ગાંધીના પ્ર-પૌત્ર તુષાર ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. તેમણે જણાવ્યુ હતું કે, યુવાનીમાં ઉષા મહેતા તેમના મેન્ટર હતા. ભારત છોડો ચળવળમાં તેમણે આપેલા યોગદાન વિશે સાંભળ્યુ હતું. આ તમામ ઘટનાઓ ફરી જીવંત થઈ છે.