ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આવા કેન્દ્રનો મૂળ હેતુ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવાનો છે. આ ઉપરાંત આ કેન્દ્રમાં તેમને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન અને જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલીંગ કરાશે.
આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં “સાંત્વના કેન્દ્ર” શરૂ કરવા નિર્ણય કરાયો હતો.
