રાજકોટના લોકસભાના સભ્ય મોહન કુંડારિયાએ સોમવારે જણાવ્યું હતું કે ગુજરાતના મોરબી શહેરમાં ઝૂલતો બ્રિજ તૂટી પડતાં માર્યા ગયેલા લોકોમાં તેમના 12 સંબંધીઓનો સમાવેશ થાય છે. તેઓ રવિવારે પિકનિક સ્થળની મુલાકાત લેવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કુંડારિયાએ જણાવ્યું હતું કે તેમના પરિવારના 12 મૃતકોમાં પાંચ બાળકો, ચાર મહિલાઓ અને ત્રણ પુરુષો હતા. આ તમામ તેમના મોટા ભાઈના નજીકના સંબંધીઓ હતા.
તેઓ ટંકારા તાલુકાના વિવિધ ગામોના હતા અને મોરબીમાં સ્થાયી થયા હતા. કુંડારીયાના બહેનના જેઠ સુંદરજીભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે મચ્છુ ડેમમાં ડૂબી ગયા હતા. આ તમામના મોત નીપજ્યા હતા. જેમાં સુંદરજીભાઈની ત્રણ દીકરી તો એક જ ગામ ખાનપરમાં જ સાસરે હતી. મૃત્યુ પામનાર મોરબીથી 10 કિમી દૂર ખાનપર ગામના જીવાણી, રૈયાણી અને અમૃતિયા પરિવારના સભ્યો હતા. આથી જીવાણી, રૈયાણી અને અમૃતીયા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.