મેચ ફિક્સિંગના આરોપી બુકી સંજય ચાવલાને ગુરુવારે લંડનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે વર્ષ 2000ના ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો. કેસ દાખલ થયાના 20 વર્ષ પછી તેને ભારત લાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ચાવલાને તિહાડ જેલમાં રખાશે. તે પહેલા તેની મેડિકલ તપાસ થશે. 16 જાન્યુઆરીએ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે આ મામલે નિર્ણય લઈ પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. બ્રિટનના ગૃહ પ્રધાનની મંજુરી પછી ચાવલાની સોંપણી કરાઈ હતી.
ગયા વર્ષે માર્ચમાં બ્રિટનના ગૃહ પ્રધાને ચાવલાના એક્સ્ટ્રાડિશનનો આદેશ આપ્યો હતો. બુકીએ જો કે તેને કોર્ટમાં પડકાર્યો હતો. બ્રિટનની કોર્ટના દસ્તાવેજોમાં ચાવલાને દિલ્હીમાં જન્મેલા એક બિઝનેસમેન તરીકે બતાવવામાં આવ્યો છે. તે 1996માં બિઝનેસ વિઝા પર લંડન જતો રહ્યો હતો. 2000માં તેનો ભારતીય પાસપોર્ટ રદ કરાયો હતો. 2005માં તેને બ્રિટનનો પાસપોર્ટ મળ્યો હતો અને ત્યારથી તે બ્રિટિશ નાગરિક છે.
મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનીયેનું નામ પણ સંડોવાયું હતું. ક્રોનીયેને ચાવલા અને અન્ય એક વ્યક્તિએ ફિક્સિંગનો આઈડિયા આપ્યો હતો. દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાન ક્રોનીયેને પૈસા અપાયા હતા. 2002માં પ્લેન ક્રેશમાં તેનું અવસાન થયું હતું.
ચાવલા અને ક્રોનીયે સામે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 70 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. બંને પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 16 ફેબ્રુઆરી 2000થી 20 માર્ચ 2000 દરમિયાન રમાયેલી મેચોમાં ફિક્સિંગનો આરોપ મુકાયો હતો. આ મેચ ફિક્સિંગ પ્રકરણ એપ્રિલ 2000માં ખુલ્લું પડ્યું હતું. દિલ્હી પોલીસે બ્લેકલિસ્ટેડ ચાવલા અને ક્રોનીયે વચ્ચેની વાતચીત ઇન્ટરસેપ્ટ કરી હતી. ચાવલા સામે ઓગસ્ટ 1999માં ઇંગ્લેન્ડના 2 ખેલાડીઓને પૈસા આપવાનો પણ આરોપ છે.