1.5 બિલિયન પાઉન્ડના કૌભાંડના આરોપોના બગલે હાલમાં દુબઈમાં રહેતા બ્રિટિશ મલ્ટી-મિલિયોનેર અને ભૂતપૂર્વ હેજ ફંડ મેનેજર સંજય શાહનું 14.7 મિલિયન પાઉન્ડની કિંમતનું હાઇડ પાર્ક મેન્શન ડેન્માર્ક સરકારે કબજે કર્યું છે. ભૂતપૂર્વ હેજ ફંડ મેનેજર સંજય શાહના પ્રવક્તાએ આ પગલાંને રાજકારણ પ્રેરિત ગણાવ્યું હતું. ડેનિશ સત્તાવાળાઓએ ગયા સપ્તાહે (4 ફેબ્રુઆરી) દુબઈ સ્થિત ઉદ્યોગપતિ સંજય શાહ સામે ડેનમાર્ક સાથે 12 બિલિયનથી વધુ ક્રોનરની છેતરપીંડીનો આરોપ મુક્યો હતો. આ જપ્તી યુરોપમાં એક વિશાળ ટેક્સ ફ્રોડ યોજનાના સમાચારોના સંદર્ભમાં થઈ છે જેમાં બેંકો, સ્ટોક બ્રોકર્સ અને વકીલોએ જર્મન, ફ્રેન્ચ અને ડેનિશ સરકાર પાસેથી શંકાસ્પદ છેતરપિંડી અને સટ્ટાખોરીમાં અબજોની ગેરકાયદે કમાણી કરી હતી. 50 વર્ષના શાહ સામે ડેનિશ સરકારે ડેનમાર્કના ઇતિહાસનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ કરચોરી કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ મૂક્યો છે. શાહ સામેનો કેસ લંડનની હાઈકોર્ટમાં સિવિલ કેસને આધિન છે. તેના પર આરોપ છે કે ડેનમાર્કમાં શેર ડિવિડન્ડ પર ટેક્સમાં રાહતનો દાવો કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો.