£1.51 બિલિયન પાઉન્ડના ડિવિડન્ડ ટેક્સની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ અંગે ગત વર્ષે જૂન માસમાં દુબઈમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન અને બ્રિટિશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહનું કથિત કર છેતરપિંડીના કેસ માટે ડેનમાર્કને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી દુબઈની અદાલત દ્વારા આપવામાં આવી હતી.
આ અગાઉ સપ્ટેમ્બરમાં અમીરાતની અપીલ કોર્ટે તેના પ્રત્યાર્પણ માટેની ડેનિશ સત્તાવાળાઓની વિનંતીને ફગાવી દીધી હતી. જોકે, દુબઈના એટર્ની જનરલે આ ચુકાદા સામે કેસેશન કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે તેના પ્રત્યાર્પણને અધિકૃત કરતા અલગ બેંચ દ્વારા પુન:વિચારણા માટે કેસને કોર્ટ ઓફ અપીલમાં પાછો મોકલ્યો હતો.
શાહનું પ્રતિનિધિત્વ કરતી લૉ ફર્મ હોરાઇઝન્સ એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર અલી અલ ઝારૂનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘’આ નિર્ણયથી પુષ્ટિ થઈ છે કે તેને “યુએઈમાંથી પ્રત્યાર્પણ કરી શકાય છે. અમારી પાસે હવે 30 દિવસ છે જેમાં આજના ચુકાદાને UAEની સર્વોચ્ચ અદાલત, કેસેશન કોર્ટમાં અપીલ કરીશું જેનો ચુકાદો આગામી બે મહિનામાં આવે તેવી અપેક્ષા છે.”
સંજય શાહ સામે આરોપ છે કે તેણે 2012થી ત્રણ વર્ષ સુધી ‘કમ-એક્સ ટ્રેડિંગ’ તરીકે ઓળખાતી એક સ્કીમ ચલાવી હોવાની શંકા છે. જેમાં વિદેશી કંપનીઓએ ડેનિશ કંપનીઓમાં શેર હોવાનો ઢોંગ કર્યો હતો અને ટેક્સ રિફંડનો દાવો કર્યો હતો. જેમાં ડિવિડન્ડ ટેક્સ રિફંડ મેળવવા માટે ઘણા દેશોની કંપનીઓ અને વ્યક્તિગત રોકાણકારો વતી ડેનિશ ટ્રેઝરીમાં હજારો અરજીઓ સબમિટ કરવામાં આવી હતી.’’
મીડિયા અહેવાલો મુજબ શાહે લંડન સ્થિત હેજ ફંડ ફર્મ સોલો કેપિટલની સ્થાપના કરી હતી અને તેણે ડેનિશના કાયદાનું ઉલ્લંઘન અથવા કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો હતો.