લેસ્ટરની કન્ઝર્વેટિવ પાર્ટીએ આગામી મે માસની ચૂંટણી માટે તેના મેયર પદના ઉમેદવાર તરીકે નોર્થ એવિંગ્ટનના સિટિંગ ટોરી કાઉન્સિલર સંજય મોઢવાડિયાની પસંદગી કરી છે. તેઓ ટોચના પદ માટે વર્તમાન મેયર સર પીટર સોલ્સબીને પડકારશે. શ્રી મોઢવાડિયા પેટાચૂંટણીના આઘાતજનક પરિણામમાં તેમના વોર્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાયા હતા.
જો 4 મે’ના રોજ શ્રી મોઢવાડિયા મેયરપદના વોટમાં જીતી જશે તો પણ તેમનું પદ અલ્પજીવી રહેશે. કેમ કે લેસ્ટરના કન્ઝર્વેટિવ્સે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી મેયર પદ જીતશે તો ચૂંટણીના એક વર્ષની અંદર મેયરનું પદ રદ કરશે.
ટોરી પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “કાઉન્સિલ સિસ્ટમના નેતા લેસ્ટરના લોકો માટે વધુ જવાબદાર છે. તાજેતરના વર્ષોમાં ચૂંટાયેલા વોર્ડ કાઉન્સિલરો પાસેથી ઘણી બધી સત્તા છીનવાઈ ગઈ છે અને તેથી શહેર સ્તરે સ્થાનિક પ્રાથમિકતાઓ ચૂકી જાય છે.”
લેસ્ટર કન્ઝર્વેટિવ્સના સિટીના અધ્યક્ષ, રિચાર્ડ ટટ્ટે કહ્યું હતું કે “ઘણા સ્થાનિક રહેવાસીઓએ અને અમારા સભ્યોએ સિટી મેયરના પદને દૂર કરવાની તરફેણમાં મત આપ્યો છે. હવે લેસ્ટરના લોકોએ પસંદગી કરવાની છે કે કન્ઝર્વેટિવને પસંદ કરીને સ્થાનિક લોકોને સત્તા આપવી કે લેબરને મત આપી યથાવત સ્થિતિ જાળવી રાખવી.’’
અપક્ષ ઉમેદવાર અને રુશી મીડ કાઉન્સિલર રીટા પટેલે પણ પોતે પદ સંભાળશે તો મેયરનો રોલ રદ કરવાની ખાતરી આપી છે. લેસ્ટરની ગ્રીન પાર્ટીએ પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ પદને રદ કરવા જાહેર લોકમતનું વચન આપ્યું છે.
જ્યારે સર પીટરે અગાઉ કહ્યું હતું કે ‘’કાઉન્સિલ-શૈલીની સિસ્ટમના નેતા તરફ પાછા ફરીને મતદારોની પસંદગી છીનવી લેવી એ અલોકતાંત્રિક પગલું હશે જેમાં કાઉન્સિલરો સત્તાના વડા કોણ છે તે પસંદ કરશે.’’