પીઢ અભિનેતા સંજય દત્તે અત્યારના ફિલ્મ નિર્માતાઓ પર આડકતરા પ્રહારો કરતાં કહ્યું છે કે, બોલિવૂડ પોતાનાં મૂળિયાં ભૂલી ગયું છે, અને તેના કારણે અત્યારે હાલત ખરાબ થઇ ગઇ છે. આ સંજોગોમાં નિર્માતાઓ ફરી શોલે અને ઝંઝીર જેવી ફિલ્મો બનાવે તો જ ઇન્ડસ્ટ્રીનો ઉદ્ધાર થશે.
અત્યારે બોલિવૂડ હાંસિયામાં ધકેલાઇ રહ્યું અને ડિજિટલ પ્લેટફોર્મની લોકપ્રિયતા પણ વધી રહી છે. મનોરંજન ઉદ્યોગના આ બદલાતા પ્રવાહ અંગે સંજય દત્તે જણાવ્યું હતું કે, એકશનથી ભરપૂર અને હીરોનાં પરાક્રમો દર્શાવતી ફિલ્મો ક્યારેય વાસી થતી નથી. સામાન્ય દર્શકને એવી બધી ફિલ્મોમાં જ મજા પડે છે.
એક સમયના એક્શન હીરો સંજય દત્તે પોતાની વાસ્તવ અને ખલનાયક જેવી ફિલ્મોને પણ આ સંદર્ભમાં યાદ કરી હતી. પણ અત્યારના નિર્માતાઓ બોલિવૂડની અસલી રંગત ભૂલી ગયા છે. ગમે તેવા પ્રવાહો બદલાય પણ માસ એન્ટરટેઇનર ફિલ્મો ચાલવાની એટલે ચાલવાની જ. નિર્માતાઓએ શોલે અને ઝંઝીર જેવી ઓલટાઇમ પોપ્યુલર ફિલ્મોમાંથી પ્રેરણા લેવી જોઇએ અને તેવી ફિલ્મો બનાવવા પ્રયાસ કરવા જોઇએ.
એવી કોમર્શિયલ ફિલ્મો જ બોલિવૂડને અત્યારની પરિસ્થિતિમાંથી ઉગારી શકશે, તેવું તેણે વધુમાં જણાવ્યું હતું. અત્યારે અનેક અભિનેતાઓ સાઉથની ફિલ્મોની સિકવલ કે રિમેક તરફ વળ્યા છે. ખુદ સંજય દત્ત પણ કેજીએફ ચેપ્ટર ટૂ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવે છે.