બોલીવૂડમાંથી એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. કહેવાય છે કે, સંજય દત્ત અને પ્રીતિ ઝિન્ટા એક નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમની આ ફિલ્મની ઘણી ચર્ચા થઇ રહી છે. બોલીવૂડના સૂત્રો કહે છે કે, સંજ્ય દત્તને ઘણા સમયથી દમદાર સ્ટોરી હોય તેવી ઐતિહાસિક ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. એટલે આ ફિલ્મ દ્વારા તેની ઇચ્છા પૂર્ણ થશે તેવું કહી શકાય. આ ફિલ્મની સ્ટોરી બીજા વિશ્વયુદ્ધને સંબંધિત છે.
આ ફિલ્મમાં સંજય દત્ત મહારાજા અને પ્રીતિ ઝિન્ટા મહારાણીની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ પ્રીતિ ઝિન્ટા જોડિયા બાળકોની માતા બન્યા પછી ફિલ્મ માટે કેટલો સમય ફાળવે છે તે તેના પર આધારિત છે. એટલે કે પ્રીતિ તેની વર્તમાન સ્થિતિને કારણે ફિલ્મને કેટલું મહત્ત્વ આપે છે તે જોવું રહ્યું. આ ફિલ્મનું શૂટિંગ પોલેન્ડ, રશિયા, જર્મની, લંડન અને ગુજરાતમાં કરવાનું આયોજન છે. આ ફિલ્મના શૂટિંગનો પ્રારંભ આવતા મહિને કરવામાં આવશે. ફિલ્મના આઉટડોરનું શૂટિંગ ત્રણ મહિનાનું હશે, જ્યારે ગુજરાતમાં થોડા દિવસોનું શૂટિંગ હશે. આ ‘ધ ગુડ મહારાજા’નામની ફિલ્મમાં ગુલશન ગ્રોવર, શરદ કપૂર, દીપરાજ રાણા, ધ્રુવ ગુપ્તા પણ મહત્વની ભૂમિકા ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય દત્તે છેલ્લે વર્ષ 2019માં કલંક નામની ફિલ્મ કરી હતી જેમાં તેણે બલરાજ ચૌધરીની ભૂમિકા ભજવી હતી. જ્યારે પ્રીતિ ઝિન્ટા છેલ્લે વર્ષ 2018માં ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં તેણે સની દેઓલ સાથે કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ દર્શકોને પસંદ આવી નહોતી.