લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસની સુનાવણી કરનારા ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ સ્નોએ સોમવારે તા. 7ના રોજ ચુકાદો આપી શસ્ત્રોના સોદામાં આરોપી વચેટિયા અને સલાહકાર, 60 વર્ષીય સંજય ભંડારીને કરચોરી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે ભારતમાં પ્રત્યાર્પણ કરવા મંજૂરી આપી છે. ભારતીય સત્તાવાળાઓ દ્વારા પ્રથમ મની લોન્ડરિંગ અને બીજી કરચોરી સંબંધિત બે પ્રત્યાર્પણ અરદીઓ કરાઇ હતી.
કોર્ટે આ વર્ષની શરૂઆતમાં તારણ કાઢ્યું હતું કે સંજયના પ્રત્યાર્પણમાં કોઈ બાધ નથી અને પ્રત્યાર્પણનો આદેશ આપવા માટે અધિકૃત યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને મોકલવાનો નિર્ણય કર્યો હતો.
જજ સ્નોએ કહ્યું કે ભંડારીને નવી દિલ્હીની તિહાર જેલમાં સંબંધિત આરોગ્યસંભાળ જોગવાઈઓ સાથે એક અલગ સેલમાં રાખવામાં આવશે. જ્યા તે ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. ભંડારી માટે ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતીને યુકેના તત્કાલિન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જૂન 2020માં પ્રમાણિત કરી હતી અને પ્રત્યાર્પણ વોરંટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. સંજય હાલમાં જામીન પર છે અને તે આ હુકમ સામે અપીલ કરશે તેવી અપેક્ષા છે.
ભંડારી પર વિદેશી સંપત્તિ છુપાવવાનો, બેકડેટેડ દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો, ભારતીય કર સત્તાવાળાઓને જાહેર ન કરાયેલ સંપત્તિનો લાભ લેવાનો અને પછી સત્તાવાળાઓને ખોટી રીતે જાણ કરવાનો આરોપ છે કે તેની પાસે કોઈ વિદેશી સંપત્તિ નથી.