ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું બે વર્ષ પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં કમબેકનું સપનું ઈજાને પગલે રોળાયું છે. પગની પિંડીમાં ઈજા થતાં વર્ષના સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમની વિમેન્સ ડબલ્સની ચાલુ મેચમાંથી સાનિયાને ખસી જવું પડ્યું હતું.
સાનિયા અને તેની યુક્રેનની ભાગીદાર નાદિયા કિચેનોકે તાજેતરમાં જ હોબાર્ટ ઈન્ટરનેશનલમાં ચીની હરીફોને હરાવીને ટાઈટલ મેળવ્યું હતું. બે વર્ષના લાંબા બ્રેક પછી સાનિયા ટેનિસ કોર્ટ પર પાછી ફરી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રેક્ટિસ દરમિયાન જ સાનિયાને પગે ઈજા થતાં વિમેન્સ ડબલ્સની પ્રથમ મેચમાં ચીનના હાન અને લિન ઝુ સામે સાનિયા – નાદિયાની જોડીને સંઘર્ષ કરવો પડ્યો હતો. તેઓ 2-6, 0-1થી પાછળ હતા ત્યારે સાનિયાનો પિંડીનો સ્નાયૂ ખેંચાઈ જતાં તે કોર્ટ પર માંડ માંડ ચાલી શકતી હતી.
સાનિયાએ મિક્સ્ડ ડબલ્સમાંથી પણ ખસી જવાનો નિર્ણય કર્યો હોવાથી ભારતીય ટેનિસ પ્લેયર રોહન બોપન્નાને યુક્રેનની પ્લેયર સાથે રમવાની ફરજ પડી હતી.
