વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં સિંગલ્સ પછી ડબલ્સમાં પણ ભારતીય ખેલાડીઓનો દેખાવ ખાસ નોંધપાત્ર રહ્યો નથી અને મહિલા ડબલ્સ તેમજ પુરૂષોની ડબલ્સમાં સાનિઆ મિર્ઝા તથા રામકુમાર રામકૃષ્ણન પહેલા જ રાઉન્ડમાં પરાજય સાથે બહાર થઈ ગયા હતા. ફક્ત મિક્સ્ડ ડબલ્સમાં સાનિઆ મિર્ઝા અને તેનો ક્રોએશીઅન પાર્ટનર મેટ પાવિક ક્વાર્ટરફાઈનલમાં પહોંચ્યા છે. રવિવારે પ્રિ ક્વાર્ટરફાઈનલમાં તેમને લેટિશા ચાન અને ઈવાન ડોડિગે વોકઓવર આપ્યો હતો. એ અગાઉ, તેઓ પ્રથમ રાઉન્ડમાં શુક્રવારે નાટેલા ઝાલામિડ્ઝ – ડેવિડ વેગા હર્નાન્ડેઝ સામેનો મુકાબલો 6-4, 3-6, 7-6 (10-3) થી જીતી ગયા હતા.
એ પહેલા, મહિલા ડબલ્સમાં સાનિઆ મિર્ઝા અને તેની ઝેક સાથી લુસી રાડેકા ગુરૂવારે (30 જુન) પહેલા જ રાઉન્ડમાં 4-6, 6-4, 6-2થી હારી જતા બહાર થઈ ગયા હતા. મહિલા ડબલ્સમાં સાનિઆ અને માર્ટિના હિંગિસ 2015માં વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યા હતા. સાનિઆ આ વર્ષની શરૂઆતમાં જ જાહેરાત કરી ચૂકી છે કે, 2022 એક ખેલાડી તરીકે તેનું અંતિમ વર્ષ છે, આ પછી તે સ્પર્ધામાં રમશે નહીં.
તો પુરૂષોની ડબલ્સના જંગમાં પણ ભારતના રામકુમાર રામનાથન અને તેનો બોસ્નિઆ હર્ઝેગોવિનાનો પાર્ટનર ટોમિસ્લાવ બિકિક પણ ગુરૂવારે અમેરિકાના નિકોલસ મનરો – ટોમી પોલ સામે 6-3, 6(5) – 7(7), 6(5) – 7(7) હારી ગયા હતા.