ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવાર, 19 જાન્યુઆરીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાનિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સિઝન તેની કારકિર્દીની આખરી સિઝન બની રહેશે. ૩૫ વર્ષની સાનિયા ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી છે અને તેણે વિમેન્સ ડબલ્સમાં ત્રણ તેમજ મિક્સ ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. તે ડબલ્સમાં વર્લ્ડ નંબર વન પણ રહી છે.
ઓસ્ટ્રેલિયન ઓપનની વિમેન્સ સિંગલ્સમાં સાનિયાનો પહેલા જ રાઉન્ડમાં પરાજય થયો હતો. સાનિયા અને યુક્રેનની નાદિયા કિચનોકની ૧૨મો ક્રમાંક ધરાવતી જોડીને સ્લોવેનિયાની કે.જુવાન અને ટી. ઝિદાન્સેકે ૪-૬, ૬-૭ (૫-૭)થી એક કલાક અને ૩૭ મિનિટમાં હરાવી હતી.
સાનિયાએ આ પરાજય બાદ જ નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતું કે, હું હાલમાં તો સપ્તાહ-દર સપ્તાહ તૈયારી કરી રહી છું. જોકે આ આખી સિઝન રમી શકીશ કે નહે તે હજુ નક્કી નથી. મને લાગે છે કે હું વધુ સારું કરી શકીશ પણ હવે શરીરનો સાથ મળતો નથી.
વર્ષ ૨૦૦૩માં આંતરરાષ્ટ્રીય ટેનિસમા ડગ માંડનારી સાનિયા ૧૯ વર્ષની કારકિર્દી બાદ વિદાય લઈ રહી છે. તેણે વિમેન્સ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન તેમજ મિક્સ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ટાઈટલ જીત્યા હતા.