યુકેમાં 50 વર્ષોથી કાર્યરત હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS – UK) દ્વારા 400 કરતા વધારે સ્વયંસેવકો માટે સંસ્કાર, સેવા અને સંગઠનની વિભાવના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓ દર્શાવતા 9 દિવસના સઘન નેતૃત્વ તાલીમ અભ્યાસક્રમ સંઘ શિક્ષા વર્ગ (SSV)નું આયોજન લેસ્ટર ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં સીનીયર એમપી થેરેસા વિલિયર્સ ઉપસ્થિત રહ્યા હતા.
કોવિડ રોગચાળાના ત્રણ વર્ષ પછી સંસ્કાર, સેવા અને સંગઠનના મૂલ્યોને શીખવા અને અનુભવવા યોજાયેલા સંઘ શિક્ષા વર્ગમાં વિક્રમજનક સંખ્યા જોવા મળી હતી. સૌથી મોટી વયના કાર્યકરની વય 74 વર્ષ તો નાના કાર્યકરની વય 13 વર્ષની હતી. યુકેના 60 નગરોમાંથી 16 વિવિધ ભાષાઓમાં બોલતા કાર્યકરો જોડાયા હતા. SSV માત્ર યુવાનોમાં જ નહીં પરંતુ તમામ ઉંમરના લોકોમાં એટલું જ સમૃદ્ધ અને લોકપ્રિય છે તે સાબિત થયું હતું. વર્ગના સમાપન સમારોહમાં જ્યાં કુલ 800 થી વધુ લોકો એકઠા થયા હતા.
આ રેસીડેન્સીયલ અભ્યાસક્રમ એક ‘સાધના’ જેવો હ તો અને જોડાયેલા સૌ કોઇ સોશિયલ મીડિયા, ટીવી, મોબાઈલ ફોન અને પરિવાર સહિતના વિક્ષેપોથી 9 દિવસ દૂર રહ્યા હતા. સાદો ખોરાક, શિસ્તબદ્ધ વાતાવરણ, જ્ઞાની અને અનુભવી વક્તાઓના વક્તવ્યો, રમતગમત અને શારીરિક શક્તિનું નિર્માણ, વહેલી સવારે 5 વાગ્યે જાગવું અને રાત્રે 11 વાગ્યે સુઇ જવું, અન્ય શિક્ષાર્થીઓ સાથે એક જ રૂમમાં સૂવું તે આ તમામ શિક્ષાર્થીઓ મીટેની તાલિમનો મુખ્ય ભાગ રહ્યા હતા. ખરાબ હવામાન તેમનો ઉત્સાહ તોડી શક્યા ન હતા. ભાગ લેનારા સૌને કાર્યક્રમમાં જોડાઇને ખૂબ જ અલગ પણ વિશાળ અનુભવનું ભાથુ, ગાઢ મિત્રો અને જીવનભરની યાદો મળી હતી.
વિવિધ કાઉન્સિલરોની સાથે, હિંદુ સમુદાયના પ્રખર સમર્થક, બેરી ગાર્ડિનર, એમપીએ પણ વર્ગની મુલાકાત લઇ HSS (UK)ના સભ્યો સાથે ચર્ચા કરી હતી. તેમને સંદેશ મોકલવા માટે કહેવાયું હતું કે લેબર પાર્ટી એક હિંદુ વિરોધી તત્વ છે જેનો લેબર પાર્ટીએ સામનો કરવો પડશે. બેરોનેસ સેન્ડી વર્માએ પણ સ્વીકાર્યું કે હિન્દુ સમુદાય માટે પણ કન્ઝર્વેટિવ્સ દ્વારા ઘણું કરવાની જરૂર છે. પરંતુ બંને નેતાઓએ SSVની પ્રવૃત્તિથી અભિપ્રેત થઇ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એમપી થેરેસા વિલિયર્સે HSS (UK) દ્વારા કોવિડ દરમિયાન કરાયેલા સેવા કાર્યો અને સમાજના અભિન્ન સભ્યો તરીકે યુકેના હિંદુઓ દ્વારા અપાયેલા સતત યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા.
HSS (UK) ના જોઈન્ટ જનરલ સેક્રેટરી ડૉ. યોગીશ જોશીએ તેમના સમાપન વક્તવ્યમાં ધ્યાન દોર્યું હતું કે ‘’સમુદાયને જ્યારે જરૂર પડે ત્યારે જાહેરમાં સમર્થન આપવામાં આ સાંસદો અને બેરોનેસ લઘુમતીમાં હોય છે. યુકેની જેલોમાં હિંદુઓનું પ્રતિનિધિત્વ ઓછું પણ ટેક્સ ભરવામાં સૌથી વધુ હોય છે. હિન્દુઓને યુકેમાં સૌથી વધુ મહેનતુ સમુદાયોમાંના એક તરીકે વધુ દર્શાવાય છે. કમનસીબે તેમ છતાં હિન્દુઓને નીતિનું ઘડતર કરતી વખતે અવગણવામાં આવે છે અને રાજકીય એજન્ડા ધરાવતા લોકો દ્વારા બદનામ કરવામાં આવે છે”. તેમનો સંદેશ સ્પષ્ટ હતો કે જીવનના તમામ ક્ષેત્રોમાં હિંદુઓના યોગદાનને માન્યતા નહિં આપવાથી અને જરૂર પડ્યે હિંદુઓને ટેકો નહિં આપતો રાજકીય વર્ગ યુકેની સારી સેવા કરી શકે નહીં. તેમ છતાં પોતાના પ્રયત્નો દ્વારા “વિશ્વ શાંતિ” પ્રાપ્ત કરવા શિક્ષાર્થીઓ વધુ પ્રેરિત અને ધ્યેય પ્રત્યે વધુ સમર્પિત હોવાનું જણાયું હતું જે હંમેશા HSS (UK) ના હૃદયમાં છે.