બળજબરીપૂર્વક કરાવાતા લગ્ન કરવાનો ઇનકાર કરનાર 20 વર્ષની યુનિવર્સિટીની વિદ્યાર્થિની સોમૈયા બેગમની હત્યા કરવા બદલ તેના 53 વર્ષીય કાકા મોહમ્મદ તારોસ ખાનને બ્રેડફર્ડ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ બાદ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 6 જુલાઈ 2022ના રોજ બ્રેડફોર્ડમાં ફિટ્ઝવિલિયમ સ્ટ્રીટ નજીક પડતર જમીનમાં સોમૈયા ગાદલામાં લપેટાયેલી મૃત હાલતમાં મળી આવી હતી.
જજીસને જણાવાયું હતું કે તેના પિતા દ્વારા પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા “હિંસાની ધમકી” આપી દબાણ કરાતું હતું. મૃત્યુ સમયે તે ફોર્સ્ડ મેરેજ પ્રોટેક્શન ઓર્ડરને આધીન હતી.
થોર્નબરી રોડ, બ્રેડફર્ડના ખાને હત્યાનો ઇનકાર કર્યો હતો. તેણે મિસ બેગમના મૃતદેહનો નિકાલ કરીને અને તેના મોબાઇલ ફોનને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન, જજીસને ખાન મિસ બેગમના શરીરને તેની કારમાંથી ખેંચીને કચરાવાળી જમીન પર ફેંકતો હોવાના CCTV ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. ખાનને બુધવારે સવારે આ જ કોર્ટમાં સજા સંભળાવવાની છે.