Veteran actor Sameer Khakhar passed away
(ANI Photo)

ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતના પીઢ અભિનેતા સમીર ખખ્ખરનું બુધવાર, 15 માર્ચે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. સમીર ખખ્ખરે 80ના દાયકાની દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. સલમાન ખાનની ફિલ્મ જય હોમાં જોવા મળેલા સમીરનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી થયું હતું.

સમીર ખખ્ખરના પિતરાઈ ભાઈ ગણેશ ખખ્ખરે જણાવ્યું હતું કે, “તેમને શ્વાસની તકલીફ હતી, તે સૂઈ ગયા અને બેભાન થઈ ગયા હતા. અમે ડૉક્ટરને બોલાવ્યા અને તેમણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનું સૂચન કર્યું. તેમનું હૃદય કામ કરતું ન હતું. પેશાબની સમસ્યા પણ હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, સવારે 4:30 વાગ્યે અવસાન થયું હતું.

સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ છેલ્લે તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યા હતા.

સમીરે મનોરંજન, સર્કસ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સમીરે પરિંદા, ઈના મીના ડીકા, દિલવાલે, રાજા બાબુ, ટેરર ​​હી ટેરર, રીટર્ન ઓફ જ્વેલ ટીફ, અવ્વલ નંબર, હમ હૈ કમાલ કે જેવી ઘણી ફિલ્મોમાં ભૂમિકાઓ પણ ભજવી હતી.
સમીર અમેરિકા ગયા બાદ અને તેણે એક્ટિંગ સિવાય જાવા કોડર તરીકે નોકરી મેળવી હતી. વર્ષ 2008માં તેણે નોકરી ગુમાવી દીધી હતી. અમેરિકામાં તેને અભિનેતા તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું હતું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના ‘નુક્કડ’ પાત્ર પર આધારિત હતી.

LEAVE A REPLY